Bhavnagar Heavy Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા છે. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો છે. ચમારડી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થતા આ રસ્તો બંધ થયો છે પરિણામ સ્વરૂપ  વાહન વ્યવહાર બહુ ખરાબ રીતે  પ્રભાવિત થયો છે. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા છે.

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે JCB લાવી નાળાને સાફ કરવામાં આવ્યું હતુ. તો હાઈવે પર ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાઈ ગયું હતું.  ભાવનગરના જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.  10 ઈંચ વરસાદ વરસતા જેસર નગર જળબંબાકાર થયું છે. જેસર તાલુકાના દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર, કરલા, રાણપડા સહિતના ગામ જાણે બેટમાં ફેરવાયા હતા. બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા.

ભાવનગરના ગ્રામીણ વિસ્તારમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરાયું

ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો વચ્ચે ફસાયા હતા પાલીતાણા તાલુકાના 3 ગામમાં વિવિધ સ્થળે લોકો  ફસાયા હતા. સોમવારે ભાવનગરમાં પડેલા વરસાદના કારણે લોકો  ફસાયા હતા.સેંજળીયા ગામમાંથી કુલ 19 લોકો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોખડકા ગામમાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું , આકોલાળી ગામમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું છે. પાલિતાણાના સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા  છે.

ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું છે. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે.,ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ બની વિકટ બની છે. માલમ ડેમ પણ ભરાયો છે.  નદીઓનું રૌદ્ર સ્વરૂપ  જોવા મળી રહ્યું છે.