ભિલોડા: ભિલોડાના મલેકપુર ગામમાં જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન હુમલામાં BSFના જવાન રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ જવાન કાશ્મીરના શ્રીનગરની BSF ટુકડીમાં ફરજ બજાવતો હતો.

BSF જવાન અને તેના બે મિત્રો પર સામાજિક અદાવતમાં ગામના જ 9 જેટલા શખ્સો દ્વારા કુહાડી, લોખંડની પાઈ અને લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. જેમાં BSF જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું 4 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.

BSF જવાનના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેને ધ્યાનમાં રાખતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મૃતક BSF જવાનનો મૃતદેહ વતન પહોંચ્યા બાદ સ્થિતિ બેકાબૂ બને તેવી શક્યતાઓ રહી હતી.