ભૂજ : કચ્છના ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારી માસિક ધર્મની તપાસ કરવામાં આવતા વિવાદ પેદા થયો છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે કોલેજના સંચાલકો દ્ધારા ચાલુ ક્લાસમાં તેમના માસિક ધર્મ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં એક પછી એક વિદ્યાર્થિનીને બાથરૂમમાં લઇ જઇ કપડા ઉતરાવી માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ આ મામલે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે, સંચાલકો દ્ધારા તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી હાંકી કાઢવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહી સંચાલકોએ ધમકી આપી છે કે ભવિષ્યમાં પણ આ રીતે તપાસ કરવામાં આવશે જો તેઓને આ મંજૂર ના હોય તો એ કોલેજ અને હોસ્ટેલ છોડીને જઇ શકે છે. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, કોલેજના મેનેજમેન્ટ દ્ધારા તેમને ધમકી આપવામાં આવી રહી છે કે અમે મીડિયા સામે કેમ ગયા.
સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, અમે આ સંસ્થાના નિયમોનું પાલન કરીએ છીએ. અમે લોકો માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. તેમ છતાં ચાલુ ક્લાસમાં અમને માસિક ધર્મ અંગેની પૂછપરછ કરી તમામ છોકરીઓને બાથરૂમમાં લઇ જઇ તપાસ કરાઇ હતી.