મોડાસાઃ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીના મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. દરમિયાન પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ વીર શહીદોને યાદ કરવાનો છે.


તેમણે કહ્યું કે 10 કરોડ ઉપરાંત વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશમાં અવ્વલ છે. એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં ગુજરાત પ્રથમ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર અમે વિશેષ ધ્યાન આપ્યું છે. ડાંગ જિલ્લાને અમે સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. ગુજરાતે 663 અમૃત સરોવર પૂર્ણ કરી દીધા છે. સોલાર રૂફ ટોપ  વીજ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે. વધુમાં તેમણે કહ્યું કે  સગર્ભા અને ધાત્રી માતાને પોષણક્ષમ આહાર મળે તે માટે 850 કરોડની જોગવાઇ કરી છે.


આ સાથે જ સરકારે વધુ એક મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યના તમામ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવાની સરકારે જાહેરાત કરી હતી. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે પરંતુ તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે.


રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા 10 હજાર પ્રતિ માસમાં વધારો કરીને 15 હજાર રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.


રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં ૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ BS-6 બસ સેવામાં મુકવામાં આવશે. રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે. ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે. એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે.


તે સિવાય ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી હતી. સરકારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં એક જાન્યુઆરી 2022થી ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.  સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ નિર્ણયનો લાભ મળશે. એક  જાન્યુઆરી 2022થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.



આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી  અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.