Nautam Swami: અખિલ ભારતીય સંત સમિતિની લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ નૌતમ સ્વામીની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ભગવાન રામ, કૃષ્ણ, હનુમાનજીના અપમાન બદલ હકાલપટ્ટી કરવામાં આવી છે.
રાજકોટમાં કિન્નર સમાજે ચીમકી ઉચ્ચારી કે ભીંત ચિત્રો દૂર નહીં કરવામાં આવે તો જોયા જેવી થશે. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મનો વિરોધ કરે છે, સ્વામિનારાયણ ધર્મ અઢીસો વર્ષ જુનો છે, જ્યારે સનાતન ધર્મ અને હનુમાન દાદા આદિ અનાદિકાળથી છે. રાજકોટમાં કિન્નર સમાજ દ્વારા સ્વામિનારાયણના સંતોની જાટકણી કાઢવામાં આવી હતી અને સ્વામિનારાયણના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા. કિન્નર સમાજે કહ્યું, ચિત્રોનો ખૂબ જ વિરોધ કરીએ છીએ, ચોર-ડાકુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા છે, ગુરુકુળમાં શું બધું ચાલે છે અમે પણ જાણીએ છીએ. સરકારને કિન્નર સમાજ આવા ચિત્રો દૂર કરાવાની અપીલ કરે છે.
સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો.જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે.
જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું. સનાતન સાધુઓ કોઇ પણ વખત સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલ્યા નથી.તમે સનાતન ધર્મની વિરૂદ્ધમાં શા માટે વારંવાર જાવ છો? તમે મર્યાદામાં રહો અમને મર્યાદામાં રહેવા દો. ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજે જણાવ્યું હતું કે, હનુમાનજી આરાધ્ય દેવ છે, હનુમાનજી ન હોય તો સૃષ્ટી ન હોય એટલે એમને પવનતનય કહ્યા છે. હનુમાનજી સ્વામીને પગે લાગે છે હનુમાનજી દાસ થઇને રહે છે. આ ચિત્રો નિંદાને પાત્ર છે. સનાતન તો અનંત કાળથી છે અને હનુમાનજી યુગોથી છે. અમારા આરાધ્ય દેવને નીચા દેખાડવા એ યોગ્ય નથી. મહેરબાની કરીને તમે તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટુંકી કરવાનો પ્રયત્ન ન કરો.