અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કૉંગ્રેસ ગઠબંધન નહીં કરે.
કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન
પેટા ચૂંટણીમાં ગઠબંધન અંગે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે. રાજ્યમાં નિર્ણય અંગે સ્વતંત્રતા આપવામાં આવી છે. ગુજરાતમાં આપ સાથે ગઠબંધન નહીં કરવામાં આવે. વિસાવદર અને કડીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટીએ ગુલાબસિંહ યાદવને મોટી જવાબદારી સોંપી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે આપના નેતા ગુલાબસિંહ યાદવને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. પાર્ટીએ ગુલાબસિંહ યાદવને ગુજરાતના સહપ્રભારી બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાહેરાત કરવામાં આવી હતી.
AAPએ વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી હતી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠકને લઇને આપે ઉમેદવાર જાહેર કરી દિધા છે. વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ગુજરાત આપના સીનિયર નેતા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂપત ભાયાણીએ આ બેઠક પરથી રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. હવે આગામી સમયમાં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ બેઠક પર ચૂંટણીની હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી છતા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર મેદાનમાં ઉતારી દિધા છે.
કૉંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે કહ્યું, ગુજરાતમાં આમ આદમી સાથે ગઠબંધન નહીં કરવામાં આવે છે. ત્યારે હવે પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.