અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીની નજીક છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પાર વધી શકે છે. આગામી 2 દિવસ કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે.
કચ્છ-બનાસકાંઠામાં હીટવેવની આગાહી
રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ-બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરાઈ છે. અંદાજે બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેથી થોડી રાહત અનુભવાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
ગુજરાતના અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે. અમરેલી, બોટાદ અને રાજકોટમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષે આકરી ગરમી પડશે. હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે એપ્રિલથી જૂન સુધીના 3 મહિનામાં બાકી રહેલા 74 દિવસમાંથી 44 દિવસ હીટવેવ રહી શકે છે.
એપ્રિલના 17 દિવસમાંથી 13 દિવસ હીટવેવની અસર હતી. જયારે હજુ 12 દિવસ હીટવેવ રહેવાની આગાહી છે. મેના 26 દિવસ, જૂનમાં 7 દિવસ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી કે તેથી પણ વધુ રહેવાનું અનુમાન છે. 18થી 24 મે દરમિયાન સૌથી વધુ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીના કારણે સ્કૂલોના સમયમાં ફેરફારનો આદેશ
અમદાવાદમાં ગરમીના કારણે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DEOએ મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 1થી 8 અને બાલવાટીકાના બાળકો માટે સ્કૂલનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવાનો DEOએ આદેશ આપ્યો હતો. ગરમીનું પ્રમાણ વધતા અને ઘણા જિલ્લાઓમાં હીટવેવની આગાહી ઉપરાંત અસહૃ તાપ, લૂને લીધે હિટવેવ એક્શન પ્લાન અંતર્ગત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની સરકારે સૂચના આપી હતી. પરંતુ ઘણી સ્કૂલોએ સમયમાં ફેરફાર ન કર્યો અને બપોરના સાડા 12 વાગ્યા સુધી સ્કૂલો ચાલતી હોય અને બપોરની પાળીમાં બાળકોને બોલાવતા હોવાની અનેક વાલીઓએ ફરિયાદો કરી હતી. જે બાદ DEOએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી શાળાનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવા માટે સૂચના આપી છે. ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં ખુ્લ્લામાં કોઈ કાર્યક્રમ ન કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.