Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલકિસ બાનો કેસના તમામ 11 આરોપીઓએ રવિવારે મોડી રાત્રે કડક પોલીસ દેખરેખ હેઠળ ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફી રદ કર્યા બાદ તેઓને 21 જાન્યુઆરી સુધીમાં જેલમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ 11 દોષિતો બે ખાનગી વાહનોમાં રાત્રે 11:30 વાગ્યે સિંગવડ રંધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને આત્મસમર્પણ કર્યું હતું.
સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર એનએલ દેસાઈએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
નોંધનીય છે કે 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે હાઈ-પ્રોફાઈલ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફી રદ કરી હતી, જ્યારે રાજ્યને એક આરોપી સાથેની મિલીભગત અને તેના વિવેકબુદ્ધિનો દુરુપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે 2022 માં સ્વતંત્રતા દિવસ પર મુક્ત કરવામાં આવેલા દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે દોષિતોની સરેન્ડર કરવા માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી અને તેમને કોઈપણ સંજોગોમાં રવિવાર સુધીમાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું. 11 દોષિતોમાં બકાભાઈ વોહાનિયા, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વોહનિયા, ગોવિંદ નાઈ, જસવંત નાઈ, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરધિયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોના આતંકમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે બિલકીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. આટલું જ નહીં આરોપીએ તેના પરિવારના સભ્યોની પણ હત્યા કરી નાખી હતી. આમાં બિલકિસની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.