ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે તે નક્કી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.


હવામાન વિભાગના મતે 15 જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.


જામનગર, દ્વારકા જિલ્લાના નવ બંદરો પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો પોરબંદર, ઓખા, બેડી બંદર, નવલખી, માંડવી, મુંદ્રા, જખૌ બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરાયું છે.


વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી એક હજાર 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત કરાઇ હતી. SDRFની 17 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે.


હવામાન વિભાગના મતે 14 જૂને સવાર સુધી બિપરજોય વાવાઝોડુ લગભગ ઉત્તર તરફ આગળ વધે તો પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને ટકરાઈ શકે છે. પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાક સુધી રહેશે.

12, જૂનના રોજ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. 13 જૂનના રોજ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના નજીકના વિસ્તારો પર 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. 14, જૂનના રોજ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.