દ્વારકાઃ બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરાયા હતા. મળતી જાણકારી અનુસાર દ્વારકામાં કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ગઇકાલે રાત્રે 26 અને સવારે 24 લોકોને એરલિફ્ટ કરાયા હતા. તમામને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓખા ઓપરેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. તમામ લોકો એક ખાનગી કંપનીના ઓઇલ રિગમાં કામ કરતા હતા.
બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકામાં દરિયાના પાણી ઘૂસ્યા હતા. દરિયામાં મોજા ઉછળતા ગોમતી ઘાટ પાસેથી દરિયાના પાણી ઘૂસ્યા હતા. ગોમતી ઘાટ પર ભારે પવન પણ ફુંકાઈ રહ્યો છે.
પાલિતાણા માર્કેટ યાર્ડ આજથી પાંચ દિવસ બંધ
વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાવનગરના પાલિતાણા માર્કેટ યાર્ડ આજથી પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી કપાસ, અનાજ, કઠોળની હરાજી બંધ રહેશે. બાદમાં 19 જૂનથી પાલિતાણા યાર્ડમાં રાબેતા મુજબ શરૂ થશે.
વાવાઝોડાના કારણે રાજ્યના 8 જિલ્લાઓ પ્રભાવિત થશે. 8 જિલ્લાના 441 ગામોના 16 લાખથી વધુ લોકોને અસર થશે. અત્યાર સુધીમાં 8 જિલ્લાના છ હજાર 827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 1800 લોકોનું સ્થળાંતર કરાયુ હતું તો મોરબીના માળિયાના કાંઠા વિસ્તારમાંથી એક હજાર 372 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સલાયાના નીચાણવાળા વિસ્તારોમાંથી 157 લોકોનું તો પોરબંદરમાંથી 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વાવાઝોડાને લઈને રાજ્યના બંદરોએ 10 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. દ્વારકા, જામનગરના તમામ બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. કચ્છના તમામ બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામા આવ્યું છે. પોરબંદરમાં નવ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે ભારે વરસાદ
અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.
વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર 8 ઈંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે