Biporjoy: બિપરજૉય વાવાઝોડાએ ગુજરાતમાં ચારેય બાજુએ તબાહી મચાવી દીધી છે, હવે સમાચાર પશુઓના મોત પણ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ નડિયાદમાંથી વીજ પૉલ પડવાથી પશુઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે માલહાનિ થઇ હતી હવે જાનહાનિના પણ સમાચારો ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. 


માહિતી પ્રમાણે, ગઇકાલે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત રાજ્યના બીજા શહેરોમાં પણ તબાહી મચાવી દીધી છે. હાલમાં જ નડિયાદ શહેરમાં વીજ પૉલ પડવાથી ચાર પશુઓના મોત થયા છે. રાજેન્દ્રનગર મોભા તળાવ પાસે ચાલુ વીજ પૉલ પડી જતાં કરંટ લાગવાથી પશુઓના મોત થયા હતા. મોતને ભેટેલા પશુઓમાં બે ભેંસ એક પાડી અને બે શ્વાનો સમાવેશ થાય છે. MGVCLને જાણ કરવા છતાં સમયસર ના પહોંચતા પશુઓના મોતનો પશુપાલકોએ આક્ષેપ પણ કર્યો છે. MGVCLને ટેલિફૉનિક તેમજ રૂબરૂ જાણ કર્યાના ત્રણ કલાક બાદ સ્થળ પર પહોંચ્યા હતા. વીજ થાંભલો પડ્યાની જાણકારી આપ્યા બાદ તુરંત વીજ પ્રવાહ બંધ ના કરાતા પશુઓના મોત થયા હતા. હાલમાં આ ઘટના બાદ પશુપાલકો દ્વારા વળતરની માંગ કરાઈ રહી છે.


ખેડામાં ખાટલામાં બેસેલા વ્યક્તિ પર વૃક્ષની ડાળી પડતા ઘટના સ્થળે જ મોત


મહુધાના વાસણા સુરજપુરા ગામે ઝાડની ડાળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ખાટલામાં બેઠેલા હતા તે વખતે લીમડાના ઝાડની ડાળી પવનના કારણે નીચે પડી હતી. ખાટલામાં બેઠેલા રામાભાઈ મગનભાઈ ચૌહાણ ઉપર ડાળી પડતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રામાભાઈની ઉંમર 52 વર્ષની હતી. મહુધા પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા જીલ્લામાં વાવાઝોડાના આગમન પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે આ દૂર્ઘટના ઘટી હતી.


છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો


કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ


કચ્છના ભુજમાં 5.3 ઇંચ વરસાદ


કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ


દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ


કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ


જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ


બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ


કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ


કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે.  વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.