જામનગર:બિપરજોઇ વાવાઝોડુ ગઇકાલ મોડી સાંજે કચ્છ દરિયાકાઠે ટકરાયું હતુ. બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, જામનગર, દ્રારકામાં જોવા મળી રહી છે. જામનગરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં એક્ટિવા ચાલકને ઇજા પહોંચી હતી.


વાવાઝોડાના કારણે જામનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. અહીં  જામનગર શહેરમાં એક્ટિવા ચાલક પર ઝાડ તૂટી પડતાં  ઇજા પહોંચી હતી.શહેરના પવનચક્કી પાસે  ઝાડ ધરાશાયી થયું હતું. જો કે સ્થાનિક લોકો તાબડતોબ મદદ પહોંચી જતાં ઇજાગ્રસ્ત યુવકે ઝાડમાંથી બહાર કાઢીને મદદ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.


જામનગરમાં મકાનની છત તૂટી પડી


ગઇકાલે સાંજે બિપરજોય વાવાઝોડ કચ્છમાં લેન્ડફોલ થયું હતું જેની સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દ્રારકાના દરિયાકાંઠાને વિસ્તારમાં થઇ છે. પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. જામનગરના સેતાવાડ ગામમાં મકાનની છત  અચાનક ધરાશાયી થતાં પરિવારના 5 લોકો ફસાઇ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાંચેય લોકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. 


દ્વારકામાં ચાલુ વરસાદમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન









દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.


માંડવીમાં NDRFનું  રેસ્ક્યુ ઓપરેશન


કચ્છના માંડવીના બગીચા બાગ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે કેડસમા પાણી ભરાયા હતા. લોકોને ફસાયા હોવાની જાણ થતા એનડીઆરએફના જવાનો કેડસમા પાણીમાં ત્યાં પહોંચ્યા હતા અને છ જેટલા લોકોને બચાવ્યા હતા. બીજી તરફ માંડવીમાં ધરાશાયી વૃક્ષો હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.