Biporjoy: બિપરજૉય વાવાઝોડાએ રાજ્યમાં ઠેર ઠેર તબાહી મચાવી દીધી છે. કાંઠા વિસ્તારમાં ગઇકાલે ત્રાટકેલા વાવાઝોડાએ કચ્છથી લઇને દ્વારકા અને બીજી કેટલાય જગ્યાએ તબાહી મચાવી દીધી છે. વાવાઝોડાના કારણે કચ્છમાં ચોમાસા કરતાં પણ ખરાબ સ્થિતિ ઉભી થઇ ગઇ છે, અહીં કનકાવટી નદીનું પાણી ગામોમાં ઘૂસી ગયુ છે. 


કચ્છમાં ગઇકાલેથી પડી રહેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે, નલિયાના માંડવી રૉડ ઉપરની કનકાવટી નદી બે કાંઠે થઇ ગઇ છે. કનકાવટી નદી ઓવરફ્લૉ થવાથી નદીનું પાણી રસ્તાંઓ પર ફરી વળ્યા છે, અને પાણી ગામોમાં પણ ઘૂસી ગયા છે. જોકે, કનકાવટી નદીના પાણીથી કોઇ નુકસાન ના થાય તે માટે તંત્રએ અગાઉથી જ સાવચેતીના પગલા ભરી દીધા હતા, ગામો અગાઉથી ખાલી કરાવી દીધા હતા. કચ્છ જિલ્લામાંથી બિપરજૉય લેન્ડફૉલ થયા બાદ ઠેર ઠેર તબાહીની દ્રશ્યો સામે આવ્યા છે. 


વાવાઝોડાના લેન્ડફૉલ બાદ તબાહી શરૂ, ઓખાના દરિયાનું પાણી ગામોમાં ઘૂસ્યું


બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ બિપરજૉય વાવાઝોડાને લઇને માહિતી આપી હતી કે, આ વાવાઝોડુ તબાહી મચાવી શકે છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે.


માહિતી પ્રમાણે, દ્વારકાના દરિયા કાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ભારે કરન્ટના કારણે ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવ્યુ છે. દરિયાના કરન્ટ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો મળ્યા મળી રહ્યાં છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લેન્ડફૉલ બાદ બિપરજૉય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે. બચાવ ટીમો દ્વારા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગાંધીધામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.