Biporjoy: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. કાંઠા વિસ્તારોમાં સળંગ બે દિવસથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. બિપરજૉયે દ્વારકામાં તબાહી મચાવી હતી, અને આ કારણે મંદિરને બે દિવસથી બંધ રાખવામાં આવ્યુ હતુ, જોકે, હવે માહિતી છે કે, જગત મંદિર દ્વારકા ફરી એકવાર ભક્તો માટે ખુલ્લી ગયુ છે, મંદિર ખુલતાની સાથે જ સવારથી મંદિરના દ્વાર પર ભક્તોની લાંબી લાંબી લાઇનો લાગી ગઇ છે. 


બિપરજૉય વાવાઝોડાની અસર બાદ દ્વારકામાં હવે પરિસ્થિતિ સામાન્ય બની છે, ધોધમાર વરસાદ અને ભારે પવનો વચ્ચે હવે ફરી એકવાર દ્વારકાધીશજીના મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંદિરના દ્વાર ખુલ્યા બાદ ફરી એકવાર ભક્તોની લાંબી લાંબી કતારો મંદિરની બહાર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી વાવાઝોડાના કારણે મંદિરને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યુ હતુ. 


અસરગ્રસ્તોની મદદે આવ્યા મંત્રી, હર્ષ સંઘવીએ આખી રાત દ્વારકામાં સ્થાનિકોને મદદ કરી


રાજ્યમાં ગઇકાલે ત્રાટકેલા વાવાઝોડાથી અનેક લોકોને અસર પહોંચી છે, દરિયા કાંઠાના અનેક ગામોને બિપરજૉય વાવાઝોડુ આવે એ પહેલા ખાલી કરાવી દેવામાં આવ્યા હતા, કેટલાય લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, આમ છતાં કેટલાય લોકોને અસર પહોંચી છે. હવે આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગુજરાત સરકારના મંત્રી સ્થાનિકોને મદદ કરતાં દેખાઇ રહ્યાં છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, ગુજરાત સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે દ્વારકાની અચાનક મુલાકાતે પહોંચી ગયા હતા, અહીં તેમને સ્થાનિકોને મદદ કરી હતી. વાવાઝોડાની અસરથી દ્વારકા જિલ્લો ખુબ જ પ્રભાવિત થયો છે. ગૃહમંત્રી ગઈકાલ રાતથી અહીં ખડેપગે રહીને તમામ સ્થિતિની વિગતો લઇ રહ્યાં હતા, હર્ષ સંઘવીએ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસ સહિત તમામ તંત્રની ટીમોની ભરપુર પ્રસંશા કરી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બચાવ અને રાહત કામગીરી કરી રહેલી ફૉર્સ ટીમની વચ્ચે છે, રસ્તાંઓ પર ધરાશાઇ થઇ ગયેલા ઝાડોને વચ્ચેથી સાઇડમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન તેઓ પોલીસ અને અને અન્ય સ્ટાફને સલાહ પણ આપી રહ્યાં છે. હર્ષ સંઘવીએ ખુદ નૉર્મલ કપડાં ટીશર્ટ અને જીન્સમાં માથે ટોપી પહેરીને હાજરી આપી હતી. 


દ્વારકામાં ચાલુ વરસાદમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન


કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી બિપરજોય વાવાઝોડુ પસાર થઇ ગયું છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દ્વારકામાં પણ વાવાઝોડા બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.


ઓખાના દરિયાનું પાણી ગામમાં ઘૂસ્યું


વાવાઝોડા ગયા બાદ દ્વારકા-કચ્છમાં ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પવન સાથેના વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓખામાં દરિયામાં પણ ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. ઓખાના દરિયાનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું.  દરિયાના કરન્ટ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો મળ્યા મળી રહ્યાં છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે કચ્છ, દ્વારકા અને જામનગરમાં નુકસાન થયું છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. મોરબીના નવલખી બંદર પાસે પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.કચ્છ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં 8 ઇંચ, ભુજમાં 6 ઇંચ, અંજાર-મુંન્દ્રામાં 5 ઇંચ, ભચાઉ-માંડવીમાં અઢી ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, અબડાસામાં દોઢ ઇંચ, રાપરમા એક ઇંચ વરસાદ નોંધાયો હતો.