ગાંધીનગર : 15 જૂને મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ટકરાયું હતું. ભારે પવન અને વરસાદ સાથે આ વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ દરિયાકિનારે ત્રાટક્યું હતું અને ત્યારબાદ તેની આસપાસના વિસ્તારમાં આ વાવાઝોડાંની અસરો વર્તાઈ હતી. પરંતુ રાજ્ય સરકારના સાવચેતીભર્યા પગલાં અને આગોતરાં આયોજનના કારણે ન્યૂનતમ નુકસાન સાથે ગુજરાતે આ વાવાઝોડાંનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. કેન્દ્ર સરકારના સહયોગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની ગંભીરતા જોઇને ગુજરાતમાં સર્જાનારી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એડવાન્સમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેઓએ મુખ્યમંત્રી સાથે વખતોવખત ટેલિફોનિક વાતચીત દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ તેમજ તેને લઇને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી.
કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું. તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.
વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા.
આ વાવાઝોડાંની આગાહી થઈ ત્યારથી જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર તેમજ જિલ્લા વહીવટીતંત્રોને આ કુદરતી આપત્તિનો મુકાબલો કરવા માટે વિગતવાર અને એડવાન્સ્ડ પ્લાનિંગ માટે સજ્જ કર્યા હતા.
છેલ્લા 4 દિવસોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)માં સવાર-સાંજ હાજરી આપીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતિનો તાગ લીધો હતો. આજે સવારે પણ તેઓએ SEOCમાં જઇને ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી અસરો, ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, અને જાનમાલની નુકસાની અંગેની રજેરજ વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સમગ્ર તંત્રને બચાવ અને રાહત કામગીરી તેમજ રિસ્ટોરેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી છે. વાવાઝોડું પસાર થયાની ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજ્ય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત થયું હતું અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો થયા હતા.
પૂર્વતૈયારીઓ અને અસરકારક પગલાં
• મુખ્યમંત્રીએ વાવાઝોડાના સંદર્ભમાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી અને તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સ્ટેન્ડ-બાય રહેવાના આદેશ કર્યા હતા. વિવિધ જિલ્લાના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.
• મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં 1 લાખ 8 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 10,918 બાળકો, 5070 વૃદ્ધો, 1152 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.
• ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દ્વારકામાં કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓખા ઓપરેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
• આ સાથે જ, જરૂર પડે તો મદદમાં આવી શકે તે માટે ભારતીય વાયુદળ, હવાઈદળ અને ભારતીય સેનાને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
• દરિયો ખેડવા ગયેલા દરેક માછીમાર-સાગરખેડૂ સલામત પરત આવી ગયા હતા અને 21 હજારથી વધુ હોડીઓ લંગારી દેવામાં આવી હતી.
• ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી હતી.
• દરિયાકાંઠાના 7 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ અને બનાસકાંઠામાં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી અને સુરત ખાતે 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી હતી.
• મુખ્યમંત્રીએ વાવાઝોડા દરમિયાન સતત મોનિટરીંગ શરૂ રાખ્યું હતું. તેઓએ કંટ્રોલ રૂમમાંથી જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતી મેળવીને જરૂરી સૂચનો આપ્યા હતા. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવશ્રી સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી બેઠક યોજીને રજેરજની માહિતી મેળવી હતી.