Biporjoy: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજૉય વાવાઝોડાને લઇને એલર્ટ આપવામાં આવ્યુ છે. હવે વાવાઝોડાએ પોતાનો રૂટ બદલ્યો છે, અને આ બિપરજૉય વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું રહ્યું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી પુરેપુરી શક્યતા છે. ત્યારે આ બધાની વચ્ચે વહીવટી તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું શરૂ કરી દીધુ છે. માહિતી પ્રમાણે, રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ દ્વારકોનો દરિયા પણ બિપરજૉય વાવાઝોડાના કારણે ગાંડોતૂર બન્યો છે, અને તંત્ર દ્વારા દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં મોડીરાત્રે 217 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને કોઇ નુકશાન ના થાય તે હેતુથી સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયાના દરિયાકાંઠાના ગામોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ સ્થળાતર કરવાની કામગીરી શરૂ કરી દીધુ છે. અમુક સ્થળોએથી મોડી રાત્રે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. 


ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMDની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા  છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું -  
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાશે. મધ્ય ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, બોડેલી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં 12 થી 16 જૂન વચ્ચે ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ઓખા બંદર પર પવન ની ગતિ 100km સુધી રહેવાની શક્યતા છે. ભારે આંધી અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે.


ક્યાં વરસાદનું અનુમાન - 
ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.