Biporjoy: વાવાઝાડના લેન્ડફૉલ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે અસર જોવા મળી રહી છે, ઉત્તર ગુજરાતમાં ભારે પવનો અને ધોધમાર વરસાદે કાળો કેર વર્તાવ્યો છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ હવે સાબરકાંઠામાંથી પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ગઇ રાત્રથી પડી રહેલા અનરાધાર વરસાદે કેર વર્તાવ્યો છે. હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, ઇડર અને પોશીનામાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આંકડામાં જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ.... 


સાબરકાંઠા જિલ્લામાં સવારથી જ વરસાદે જોર પકડ્યું છે, સવારે 08થી 10 કલાક સુધી પડેલા વરસાદના આંકડા....


ખેડબ્રહ્મા: 05 મીમી વરસાદ
વિજયનગર: 10 મીમી વરસાદ
વડાલી: 12 મીમી વરસાદ
ઇડર: 11 મીમી વરસાદ
હિંમતનગર: 08 મીમી વરસાદ
પોશીના: 23 મીમી વરસાદ


સાબરકાંઠા જિલ્લામાં ગઇ રાત્રથી આજે વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ ઘટી છે. જિલ્લમાં હિંમતનગર શહેરના મોતીપુરા નજીકથી પસાર થઇ રહેલો અમદાવાદ- ઉદેપુર નેશનલ હાઇવે પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે, રૉડ પર પાણી ભરાવવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ખાસ વાત છે કે છેલ્લા ચાર વર્ષથી અહીં સિક્સલેન રૉડનું કામ ચાલી રહ્યું છે આ કારણે રસ્તાંઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ સમારકામનો અભાવ દેખાઇ રહ્યો છે.


 


વાવાઝોડા બાદ CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાથી અસર પામેલા ગામોના અસરગ્રસ્ત લોકોને નિયમાનુસારની કેશડોલ્સ આગામી ત્રણ દિવસમાં ચૂકવી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ વાવાઝોડાને પરિણામે રાજ્યમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં ઊભી થયેલી સ્થિતિની વિસ્તૃત વિગતો સંબંધિત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને મેળવી હતી. મુખ્યમંત્રીએ શુક્રવારે સાંજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજપુરવઠો,પાણી,રોડ-રસ્તા પૂર્વવત કરવા તેમ જ ઝાડ-વૃક્ષો પડી જવાને કારણે માર્ગો પર થયેલો આડશો દૂર કરવા પણ તાકીદ કરી હતી. એટલું જ નહીં, પશુઓના મૃત્યુના કિસ્સામાં નિયમાનુસાર સહાય સમયસર ચૂકવાઈ જાય અને અન્ય નુકસાનીનો સર્વે ત્વરાએ શરૂ થાય તેવી સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી હતી. રાજ્યના મહેસુલ વિભાગે કેશડોલ્સની ચૂકવણી રોકડમાં કરવા અંગે કરેલા ઠરાવમાં જણાવાયું છે કે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના જે લોકોનું અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તેવા લોકોમાં પુખ્તવયની વ્યક્તિને રૂપિયા ૧૦૦ પ્રતિદિન અને બાળકદીઠ રૂપિયા ૬૦ પ્રતિદિનની સહાય મહત્તમ પાંચ દિવસ માટે ચૂકવવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાવાઝોડાની આફતની ન્યુનત્તમ અસરો થઈ છે તે માટે તંત્રવાહકો,એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., કેન્દ્રિય એજન્સીઓ તથા રાજ્ય સરકારના કર્મયોગીઓની દિનરાતની મહેનત અને સમયસરના આગોતરા આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જિલ્લાવાર પ્રાથમિક નુકસાનીના અંદાજો મેળવ્યા હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાહત-સ્થાનોમાં આશ્રય લઈ રહેલા લોકોને કેશડોલ્સ અને અન્ય સહાય સમયસર ચૂકવાઈ જાય તેના પર ધ્યાન આપવું જરૂરી છે. એટલું જ નહીં, કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા અંશતઃ નુકસાન કે સંપૂર્ણ નાશ પામવાના કિસ્સામાં પણ સર્વે ત્વરાએ હાથ ધરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ સંદર્ભની વિગતો આપતા બેઠકમાં જણાવ્યું કે અસરગ્રસ્ત ૮ જિલ્લાઓમાં કુલ આશરે ૭૧૯ કાચા-પાકા મકાનોને અંશતઃ નુકસાન થયું છે કે સંપૂર્ણ નાશ પામ્યા છે, તેવા પ્રાથમિક અહેવાલો મળેલા છે. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં વીજ-પુરવઠાને વિપરિત અસર પડી છે,તેમાં ત્વરાએ પૂર્વવત કરવા ઊર્જા વિભાગની વધુ ટીમો કાર્યરત કરવા સૂચના આપી હતી.


તેમણે કહ્યું કે જે વીજપોલ કે ટ્રાન્સફોર્મર્સને ક્ષતિ પહોંચી ત્યાં પૂર્વવત કરવા માટે પાણી-પુરવઠા,રહેણાક મકાનો અને કમ્યુનિકેશન સાથે સંકળાયેલા વીજપોલ,ટ્રાન્સફોર્મર્સને અગ્રતા અપાશે. મુખ્યમંત્રીએ વાવાઝોડાને પરિણામે વૃક્ષો પડી ગયા છે તેની સામે સૌને સાથે મળીને બમણાં વૃક્ષો વાવી વધુ ગ્રીન કવર કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમારે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરતા કહ્યું કે, હવે આપણું ફોકસ રિસ્ટોરેશન ઓફ સર્વિસીસનું હોવું જોઈએ.