Biporjoy Updates: ગુજરાતમાં વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ મૉડ પર આવી ગયુ છે, ત્યારે આ બધાની વચ્ચે હવે રિપોર્ટ છે કે, 'બિપરજૉય' વાવાઝોડુ પાકિસ્તાનથી જખૌ તરફ ફંટાયુ છે. આ સંભવિત 'બિપરજૉય' વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા 'બિપરજૉય' વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધવા લાગ્યુ છે. 'બિપરજૉય' અત્યારે પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. ખાસ વાત છે કે, રાતોરાત દરિયામાં જ 'બિપરજૉય'એ પોતાનો માર્ગ બદલીને ઉતર પશ્ચિમના બદલે ઉતર પૂર્વીય કરી નાંખતા ફરી એકવાર ગુજરાતના હવામાન વિભાગ ફરી એલર્ટ થયુ છે. ઉલ્લેખનીય છે કે, પૉર્ટ પ્રશાસન દ્વારા આજથી વિશેષ ચક્રવાત કન્ટ્રૉલ રૂમથી શરૂઆત કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે શું કર્યું આંકલન ?
અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 620 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. વાવાઝોડું 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા ગુજરાતના માથે ચિંતા વધી છે.
અંબાલાલ પટેલે શું કર્યું આંકલન
વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કર્યું છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું ભયાનક બનશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.
બિપરજૉયની આ રાજ્યને થશે સૌથી વધુ અસર
બિપરજોય ઝડપી ગતિએ વધી રહ્યો છે અને તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે 'અત્યંત ગંભીર' ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને ચેતવણી આપી છે. ચક્રવાતી તોફાન 'બિપરજોય' આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તોફાન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે અરબી સમુદ્ર કિનારે વલસાડના તિથલ બીચ પર ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે
IMD અનુસાર, આજે પૂર્વોત્તર ભારતના મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે. આસામ અને મેઘાલયમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેરળ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની શક્યતા છે. સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં રવિવારથી મંગળવાર સુધી ભારે વરસાદની અપેક્ષા છે.