Gujarat By Election: ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે 4 રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સિક્કિમમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં 5, હિમાચલ પ્રદેશમાં 6, કર્ણાટકમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપે સિક્કિમમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 નામોની જાહેરાત કરી હતી. હવે બીજી યાદી આવતાં જ 23 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અહીં કુલ 32 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક છે.
લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે. જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.
લોકસભાની સાથે સાથે ગુજરાતની 26 બેઠકો પર સાતમી મેએ મતદાન થશે. ત્રીજા તબક્કામાં યોજાશે ગુજરાતનું મતદાન યોજાશે, ગુજરાત સહિત તમામની મતગણતરી ચોથી જૂનના રોજ થશે. વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેના રોજ થશે.
લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે
પ્રથમ તબક્કો : 19મી એપ્રિલ
બીજો તબક્કો : 26મી એપ્રિલ
ત્રીજો તબક્કો : સાતમી મે
ચોથો તબક્કો : 13મી મે
પાંચમો તબક્કો : 20મી મે
છઠ્ઠો તબક્કો : 25મી મે
સાતમો તબક્કો: પહેલી જૂન
પરિણામો: ચોથી જૂન
182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપે 156 બેઠકો પર જીત મેળવી હતી અને કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે.