Kadi and Visavadar bypolls:  કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમા ઉતાર્યા છે. વિસાવદરથી કોંગ્રેસ આજે સવારે ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. 19 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 23 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંનેએ રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા.

જોકે કોંગ્રેસે હજુ વિસાવદર માટે ઉમેદવાર જાહેર કર્યા નથી.  આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ આજે ગમે તે ઘડીએ ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.  વિસાવદર બેઠક માટે કોંગ્રેસમાંથી ભેંસાણ પંથકના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નીતિન રાણપરિયાને ટિકિટ અપાય તેવી પૂરી શક્યતા છે. કારણ કે લેઉવા પટેલ સંસ્થાઓ સાથે નીતિન રાણપરિયા સંકળાયેલા છે.  આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.

ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. સરપંચ અને ગ્રામ્ય પંચાયતના સભ્યો માટે નવ જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 મીએ જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન છે. રાજ્યની 8 હજાર 326 ગ્રામ પંચાયતની ચૂંટણી પર 22 જૂને મતદાન થશે. જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. સરપંચ બેઠકની સામાન્ય કેટેગરી માટે 2 હજાર રૂપિયા ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે એક હજાર ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. તેમજ વોર્ડના સભ્યની સામાન્ય કેટેગરી માટે 1 હજાર ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે 500 રૂપિયા ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. ઉમેદવારી ફોર્મ જે તે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે સવારે 11:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી ભરી શકાશે. હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો અને હલચલ પણ જોવા મળી રહી છે.