Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.  આ સાથે જ એક સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટીને પોરબંદર જિલ્લામાં એક પણ બેઠક નથી મળી. પોરબંદર જિલ્લામાં કુલ બે બેઠકો છે. એક બેઠક પોરબંદર અને બીજી બેઠક કુતિયાણા છે. પોરબંદર બેઠક પર કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂનભાઈ મોઢવાડિયાએ ભાજપના દિગ્ગજ નેતા બાબુભાઈ બોખીરીયાને હાર આપી છે. અર્જૂનભાઈ મોઢવાડીયાને 82056 મત મળ્યા છે, જ્યારે બાબુભાઈને 73875 મત મળ્યા છે. અર્જૂનભાઈ 8181 મતની લીડ સાથે જીત્યા છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત થઈ છે.  કોંગ્રેસ, ભાજપ અને આપ જેવા મોટા રાજકીય પક્ષોને પાછળ મુકી અને સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી લડતા કાંધલ જાડેજાનો ભવ્ય વિજય થયો છે.


સપાની સાયકલ કુતિયાણા વિધાનસભા બેઠક પર સોનાની બની ગઈ છે. કુતિયાણા વિધાનસભાની હાઈપ્રોફાઈલ બેઠક ઉપર આ વખતે ભાજપમાંથી ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા, આપમાંથી ભીમા દાના મકવાણા અને સમાજવાદી પાર્ટીમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડી રહ્યા હતા. આ ચોપાખિયા જંગમાં કોણ મેદાન મારશે તે કહેવું કપરૂ બની ગયું હતું. આ બેઠકમાં આ વખતે પ૮ ટકા જેવું મતદાન થયું હતું જે ગત વિધાનસભા બેઠક કરતા ૩ ટકા ઓછું હતું. આ ઓછું મતદાન પણ કોને ફળશે તે કહેવું મુશ્કેલ બની ગયું હતું.


જો કે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં કાંધલ જાડેજા 26712 મતોથી વિજય બન્યા હતાં. જેને પગલે કાંધલ જાડેજાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાંધલ જાડેજા પોતાના સમર્થકો સાથે પોતાના મત વિસ્તાર રાણાવાવ અને કુતિયાણા વિજય સરઘષ માટે નિકળ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. પુષ્પોની વર્ષા, અબીલ ગુલાલોની છોડો વચ્ચે ઢોલ-શરણાઈ વાગતા હતા અને ફટાકડાનો અવાજ જાણે જીતના અવાજને બુલંદ કરતો હોય તેવી અનુભૂતિ જોવા મળી હતી અને કાંધલજાડેજાએ પોતાના મત વિસ્તારના લોકોનો તેમજ કાર્યકર્તાઓનો હ્‌દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.