અમરેલી: જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે. અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોડી રાતે વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ દેવજી પડસાળા સહિત 6 જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. આ ઉપરાંત 2 ઈસમો પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા.
જાફરાબાદ તાલુકાના ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચ્યો છે. કાર, બાઇક મળી રૂ.5,20,430નો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમએ જુગાર રમતા ઝડપી પાડી જુગાર ધારા હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં શ્રાવણ મહિનામાં જુગાર રમવાના બનાવો આ પહેલા પણ સામે આવી ચૂક્યા છે. જન્માષ્ટમીના તહેવારો પર મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં જુગાર રમે છે. આ મામલે પોલીસે ઘણીવાર કામગીરી કરી જુગારીઓને ઝડપી પણ પાડ્યા છે.
આ મહાદેવ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર લાગ્યો પ્રતિબંધ
રાજ્યમાં ટૂંકા વસ્ત્રો પહેરીને વધુ એક મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનના આ નિર્ણયના કારણે હવે પુરુષ હોય કે સ્ત્રી કોઈપણ વ્યક્તિ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી.
આ મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવા મંદિર પ્રશાસને લોકોને અપીલ કરી છે. ગયા મહિને પણ ડાકોર રણછોડરાયજી મંદિર અને દ્વારકા મંદિર દ્ધારા ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવાની ભક્તોને અપીલ કરવામાં આવી હતી. ડાકોરના રણછોડરાયજી મંદિર દ્ધારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્ધારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે. જેમાં લખવામાં આવ્યું છે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.