Gujarat BJP: બોરસદ પાલિકામાં ભાજપના જ સભ્યો ભાજપ સામે થતા શહેરનો વિકાસ રૂંધાયો છે. ભાજપના 12 સભ્યોએ અપક્ષ અને આમ આદમી પાર્ટીના સભ્યોની તરફેણમાં મતદાન કરી 27 પૈકી 17 વિકાસના કામોમાં અવરોધ ઉભો કરતા બોરસદ નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
બોરસદના ઇતિહાસમાં દોઢ વર્ષ અગાઉ પ્રથમ વખત ભાજપને ગત ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થતા ભાજપે બોરસદ પાલિકામાં સત્તા સંભાળી હતી અને ત્યારે નગરજનોને લાગતું હતું કે હવે શહેરનો વિકાસ થશે પરંતુ 20 સભ્યોના ટેકા સાથે સર્વ સમતીથી નગરપાલિકાના પ્રમુખ પદે આરાતીબેન પટેલને બેસાડ્યા બાદ ભાજપના જ 12 સભ્યો એ શરૂઆતથી જ પ્રમુખ સામે બંડ પોકાર્યું હતું. જોકે અંદર ખાને શહેરના વિકાસમાં અવરોધ ઉભો કરતા 12 જેટલા ભાજપના સભ્યો સતત બે બોર્ડ બેઠકથી ખુલીને બહાર આવ્યા છે. ગત 30 જુલાઇના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં શહેરના વિકાસના કામોમાં અપક્ષ અને આમ આદમી પાર્ટીના સભ્યોએ વિરોધ નોંધાવી સુધારા રજુ કરતા ભાજપના 12 બળવાખોર સભ્યોએ વિપક્ષને ટેકો આપી ત્રિમાસિક હિસાબ ના મંજુર કરતા બળવાખોર સભ્યોની વિકાસ વિરોધી વૃત્તિ સામે આવતા ચકચાર મચી છે.
બોરસદ પાલિકામાં ભાજપ દ્વારા સત્તા સંભાળતાની સાથે બોર્ડ બેઠક પહેલા પ્રભારીની હાજરીમાં પ્રિ બોર્ડ બેઠક બોલાવવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી અને બે દિવસ પૂર્વે યોજાયેલ બોર્ડ બેઠક પહેલા પણ પ્રી બોર્ડ બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના વિવિધ વિકાસ કામોના એજન્ડા તમામ ભાજપના સભ્યોને આપવામાં આવ્યા હતા અને તેમાં તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તે સમયે તમામ વિકાસ કામોને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. જોકે બોર્ડ બેઠકના દિવસે જ ભાજપના 12 સભ્યો અપક્ષ અને આમ આદમી પાર્ટીના સભ્યના ખોળામાં બેસી જતા બોરસદ પાલિકાના રાજકારણમાં હડકંપ મચી જવા પામી છે. ભાજપના જ 12 સભ્યોના વિરોધ ને લઈ હાલ તો શહેરના વિકાસમાં અવરોધ ઉભો થયો છે અને અગાઉની જેમ જ આ વર્ષની ગ્રાન્ટ પણ લેપ્સ થાય તેવા સંજોગ ઉભા થાય છે.
મહિલા સભ્યોના પતિ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા
આ સાથે એક મહિલા સભ્ય દ્વારા પણ ભાજપના 4 જેટલા મહિલા સભ્યોના પતિ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. બોર્ડ બેઠક સહિત પાલિકાના કામોમાં આ 4 મહિલા સભ્યોના બદલે તેમના પતિ વહીવટ કરતા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. હાલ તો ભાજપના 12 સભ્યોની બળવાખોરીને લઈ નગ માં રોષ ઉભો થયો છે અને પાલિકા પ્રમુખ દ્વારા ત્રિમાસિક હિસાબના મંજુર કરવામાં ભાજપના જ સભ્યોએ મત આપ્યો હોય પાલિકા અધિનિયમ મુજબ આ બળવાખોરો વિરુદ્ધ સંગઠનમાં ફરિયાદ કરવા સાથે તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે.