ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાની અચાનક દિલ્હી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. અર્જૂન મોઢવાડિયાની દિલ્હી મુલાકાતના કારણે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ હતી.






અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.  જો કે અન્ય નેતાઓની જેમ જ મોઢવાડિયાએ આ સૌજન્ય મુલાકાત ગણાવી હતી.






પરંતુ આ મુલાકાતના ફોટા તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. લોકસભાની સાથે સાથે યોજાયેલી રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપની ટિકિટ પર પોરબંદરથી ચૂંટણી જીત્યા છે.  તેમનો લાંબો રાજકીય અનુભવ હોવાના કારણે તેમને મંત્રી બનાવાય તેવી ચર્ચા તે ભાજપમાં જોડાયા ત્યારથી જ ચાલી રહી છે.  હાલ રાજ્યમંત્રી મંડળ માત્ર 17 સભ્યોનું છે ત્યારે હજુ પણ મંત્રીમંડળમાં નવ જેટલા મંત્રીઓને સામેલ કરી શકાય તેમ હોવાથી વિસ્તરણને લઈને અટકળો હંમેશા થતી રહી છે. જો કે ભાજપની સરકારમાંથી વિસ્તરણની વાતને ક્યારેય સમર્થન મળ્યું નથી. 


કોણ છે અર્જૂન મોઢવાડિયા 


અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું વર્ચસ્વ છે. વર્ષ 2024માં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.  બાદમાં પોરબંદર બેઠક પર ભાજપની ટિકિટ પરથી પેટાચૂંટણી લડ્યા અને જીત્યા હતા.