વલસાડ: કોઈપણ ચૂંટણીમાં જ્યારે કોઈ પક્ષને બહુમતી ના મળે ત્યારે જે તે પક્ષ સત્તા મેળવવા માટે શામ,દામ અને દંડનો ઉપયોગ કરી અપક્ષ કે અન્યનું સમર્થન મેળવે છે. પરંતુ આ વાતની જાહેરમાં ક્યારેય કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. પરંતુ વલસાડના વાપીમાં આયોજીત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના સાંસદ કે.સી.પટેલના હૈયાની વાત હોઠે આવી ગઈ હતી.  કે.સી.પટેલે પોતાના સંબોધન દરમિયાન સ્વીકાર કર્યો હતો કે, ભૂતકાળમાં જ્યારે ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવા પડતા હતા. સાંસદ .સી.પટેલના આ નિવેદનને લઈ ત્યાં હાજર ભાજપના કાર્યકર્તાઓ પણ આશ્ચર્યમાં મુકાયા ગયા હતા. 


'કોંગ્રેસ પેજ કમિટી કેવી રીતે બનાવાય તેની તપાસ કરી રહી છે, તેના માટે કાર્યકરો જોઇએ પણ ત્યાં તો બધા નેતા જ છે'


ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જામનગર સ્નેહ મિલનમાં કોંગ્રેસ પણ પેજ કમિટી બનાવવા માટે કવાયત કરી રહી હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પેજ કમિટીને આધારે આપણે અનેક ઇલેક્શન જીત્યા છીએ. પેજ કમિટીની તાકાતાનો પરચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખબર છે, પણ કોંગ્રેસને પણ ખબર પડી ગઈ છે. એ પણ પેજ કમિટી કેવી રીતે બનાવાય એની તપાસ કરી રહી છે, પણ ફક્ત પેજ પ્રમુખ કે પેજ કમિટી બનાવાવી હોય ને તો કાર્યકર્તા જોઇએ. ત્યાં તો બધા નેતા જ છે. એબી એક, બે ને તીન. એમાં કોઈ પેજ કમિટી ના બને. પેજ કમિટીનો કાર્યકર્તા પ્રામાણિકતાથી પાર્ટીનું કામ કરે એવો હોવો જોઇએ. ત્યાં તો પ્રામાણિકતાનો જ અભાવ છે. કાર્યકર્તાનો જ અભાવ છે. 



તેમણે કહ્યું કે, એક ટાઇમ એવો હતો કે આપણે બે જ હતા. કોંગ્રેસ આપણી પર હસતી હતી કે સંસદમાં બે જ લોકો છે. ભારતીય જનતા પાર્ટી એ હવે સાયકલ પર આવી ગઈ છે. આજે બે વખત નરેન્દ્ર મોદીએ સાહેબે કેન્દ્રમાં સરકાર બનાવી. આ કોંગ્રેસ પાર્ટીને બસમાં બેસાડી દીધી છે અને બસના ટાયર પણ પંચર થઈ ગયા છે. 



જામનગરમાં આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવા મંત્રીઓના કાર્યકર્તાઓ સાથેના વર્તનને આવકારી પૂર્વ મંત્રીઓ પર પરોક્ષ પ્રહાર પણ કર્યા હતા. તેમણે મંત્રી મંડળ બદલાતા કાર્યકર્તાઓ સાથેનો વ્યવહાર કેવી રીતે બદલાયો તેનું વર્ણન પણ કર્યુ હતું.