જામનગરઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જામનગર સ્નેહ મિલનમાં કોંગ્રેસ પણ પેજ કમિટી બનાવવા માટે કવાયત કરી રહી હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પેજ કમિટીને આધારે આપણે અનેક ઇલેક્શન જીત્યા છીએ. પેજ કમિટીની તાકાતાનો પરચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખબર છે, પણ કોંગ્રેસને પણ ખબર પડી ગઈ છે. એ પણ પેજ કમિટી કેવી રીતે બનાવાય એની તપાસ કરી રહી છે, પણ ફક્ત પેજ પ્રમુખ કે પેજ કમિટી બનાવાવી હોય ને તો કાર્યકર્તા જોઇએ. ત્યાં તો બધા નેતા જ છે. એબી એક, બે ને તીન. એમાં કોઈ પેજ કમિટી ના બને. પેજ કમિટીનો કાર્યકર્તા પ્રામાણિકતાથી પાર્ટીનું કામ કરે એવો હોવો જોઇએ. ત્યાં તો પ્રામાણિકતાનો જ અભાવ છે. કાર્યકર્તાનો જ અભાવ છે.
તેમણે કહ્યું કે, એક ટાઇમ એવો હતો કે આપણે બે જ હતા. કોંગ્રેસ આપણી પર હસતી હતી કે સંસદમાં બે જ લોકો છે. ભારતીય જનતા પાર્ટી એ હવે સાયકલ પર આવી ગઈ છે. આજે બે વખત નરેન્દ્ર મોદીએ સાહેબે કેન્દ્રમાં સરકાર બનાવી. આ કોંગ્રેસ પાર્ટીને બસમાં બેસાડી દીધી છે અને બસના ટાયર પણ પંચર થઈ ગયા છે.
જામનગરમાં આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવા મંત્રીઓના કાર્યકર્તાઓ સાથેના વર્તનને આવકારી પૂર્વ મંત્રીઓ પર પરોક્ષ પ્રહાર પણ કર્યા હતા. તેમણે મંત્રી મંડળ બદલાતા કાર્યકર્તાઓ સાથેનો વ્યવહાર કેવી રીતે બદલાયો તેનું વર્ણન પણ કર્યુ હતું.
તે સિવાય પાટીલે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ચેતવણી આપતા સ્વરમાં હવા કાઢી નાખવાની વાત કરી હતી. પાટીલે જણાવ્યું કે ચૂંટાયા બાદ કેટલાક જનપ્રતિનિધિઓ હવામાં આવી જાય છે. પણ જો આવા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓનું અપમાન કરશે તો કોઈ પણ સંજોગોમાં તેને ચલાવી લેવામાં નહીં આવે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની મહાજીતનો ઉલ્લેખ કરી સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો. સી.આર.પાટીલે આમ આદમી પાર્ટીના નેતાઓ ગાંધીનગરમાં મેયર બનાવવાના કેવા સપના જોતા હતા તેનો ખુલાસો કર્યો હતો. એટલુ જ નહી ગાંધીનગર મહાનગર પાલિકામાં સત્તા હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત બહારના નેતાઓના મનસુબા પર કેવુ પાણી ફરી વળ્યુ તેની પણ સ્પષ્ટતા કરી હતી. પાટીલે આ સમગ્ર વાત આમ આદમી પાર્ટીના એક નેતા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતનો હવાલો આપી સમગ્ર વાતચીત કરી હતી.