સરકાર પણ દરેકને મફત રાશન આપીને પોતાની જવાબદારી નિભાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત વાતો કહીને દરેકને પોત પોતાની રીતે કોરોના સામેની લડાઈમાં યોગદાન આપવાનું કહ્યું છે. આવા સંકટના સમયે મહેસાણાના કર્મઠ અને સેવાભાવી સાંસદ શારદાબેન પટેલ પણ ઘરે રહીને પોતાના વિસ્તારમાં શક્ય બને તેટલી સહાય કરીને એક સાચા લોકસેવકની ભૂમિકા ભજવી રહ્યાં છે.
છેલ્લા થોડા દિવસોથી જરૂરિયાત મંદોને માસ્ક મળી રહે તે માટે બલોલ ગામે આસ્થા સ્વાવલંબન કેન્દ્રની બહેનો સાથે મળીને કાપડના માસ્ક બનાવવાનું કામ શરૂ કર્યું છે. જેથી માસ્કની જરૂરિયાત પણ સંતોષી શકાય અને બહેનોને રોજગાર પણ મળી રહે. સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પૂરેપૂરું ધ્યાન રાખીને બહેનો પોતપોતાના ઘરેથી રોજે રોજ માસ્ક તૈયાર કરે છે. સાંસદ શારદાબેન પટેલને પણ પોતાની અંદર રહેલ એક સામાન્ય સ્ત્રીની જેમ શિવણના હુન્નરને જાગૃત કરવાની પ્રેરણા મળી અને શારદાબેન કામે લાગી ગયા હતાં.
ઘરે જાતે કાપડના ટુકડા કરીને પછી સિલાઈ મશીન પર ગોઠવાઈ ગયા અને એક સામાન્ય ઘરેલુ સ્ત્રીની જેમ કોઈપણ જાતના અહંકાર વગર માસ્ક બનાવવા લાગ્યા હતાં અને તેમનું કામપણ એટલું જ ચીવટ વાળું. ખરેખર આવી સન્નારીઓ થકી જ આપણો દેશ અને દેશની સંસ્કૃતિ આજે પણ અમર છે. સાંસદ શારદાબેન પટેલના આ સેવાકીય પ્રવૃત્તિથી અન્ય કેટલાંય લોકોને એક પ્રેરણા મળી છે અને સંકટ સમયે દેશવાસીઓને મદદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.