Cyclone Biparjoy Update: બિપરજોય ચક્રવાતના પગલે ભાજપે તમામ સભા મોકૂફ રાખી છે. ભાજપે 12થી15 તારીખ સુધીની તમામ સભાઓ મુલતવી રાખી છે. કેન્દ્રની મોદી સરકારના 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સભાઓનું આયોજન કરાયું હતું. રાજ્યના અને કેન્દ્રના મંત્રીઓ અને ભાજપના નેતાઓ જાહેરસભા સંબોધવાના હતા. સંભવિત વાવાઝોડાના પગલે હાલ તમામ સભાઓ મોકૂફ રખાઈ છે.


બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે તે નક્કી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.


ગુજરાત સરકાર ગંભીર ચક્રવાતી તોફાન 'બિપરજોય'ના પડકારોનો સામનો કરવા માટે અનેક સાવચેતીના પગલાં લઈ રહી છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રવિવારે (11 જૂન) ચક્રવાતની અસરોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને ગુજરાત વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.


ચક્રવાત 'ગંભીર ચક્રવાત વાવાઝોડા'માં ફેરવાઈ ગયું છે અને 15 જૂને ગુજરાતના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ત્રાટકવાની શક્યતા છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ સચિવે ચક્રવાત માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ, રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે વિવિધ નીતિઓ અને યોજનાઓ ઘડવા માટે જવાબદાર છે. ચક્રવાત 'બિપરજોય'ની અસરોનો સામનો કરવામાં ગુજરાત વહીવટીતંત્રને મદદ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની પૂરતી સંખ્યામાં ટીમો અને સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.


ગુજરાત સરકારે સાવચેતીના પગલા લીધા છે


પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ચક્રવાત 'બિપરજોય' ની અસરોનો સામનો કરવા માટે તમામ સંભવિત સાવચેતીના પગલાં લીધા છે અને ચક્રવાત હિટ થયા પછી સેવાઓ ફરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ, કેન્દ્ર સરકારના મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય હવામાન વિભાગ અને NDRFના વરિષ્ઠ અધિકારીઓ વગેરેએ ભાગ લીધો હતો.


NDRF ઉપરાંત, ગુજરાત સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ટીમો તૈનાત કરી રહી છે અને છ જિલ્લામાં આશ્રય કેન્દ્રો સ્થાપવામાં આવશે. વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારમાં જમીન પર ક્યાં ત્રાટકશે તે અંગે આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થશે.