અમદાવાદઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની આજે બુધવારે બપોરે શપથવિધી છે ત્યારે નવા મંત્રીમંડળની રચના નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. નીતિન પટેલ મંત્રીમંડળમાં સામેલ થશે કે નહીં એ નક્કી નથી પણ ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે એ સ્પષ્ટ છે.


નીતિન પટેલને કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલે પોતાનાથી અનેક ગણા જુનિયર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે. આ બાબત નીતિન પટેલની રાજકીય કારકિર્દીમાં મહત્વની સાબિત થશે.


દરમિયાનમાં નીતિન પટેલ નારાજ હોવાની અટકળો ચાલી રહી છે. જો કે નીતિન પટેલે મંગળવારે ફરી સ્પષ્ટતા કરી હતી કે, હું મુખ્યમંત્રીપદ ના મળતાં નારાજ નથી. તેમણે કહ્યું કે, બધાંને બધું મળે એવું ક્યારેય બનતું નથી અને અમે પણ કઠિન નિર્ણયો લીધા છે. નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, અમે પણ લોકોને ટિકિટ નથી આપી.


તેમણે કહ્યું કે, મારા માટે દુઃખનું કોઈ કારણ નથી અને પક્ષના હિતમાં કઠિન નિર્ણયો લેવા જરૂરી હોય છે. પાર્ટીને જે ઠીક લાગ્યું એ પાર્ટીએ કર્યું. હું 18 વર્ષનો હતો ત્યારથી પક્ષનો કાર્યકર્તા રહ્યો છું અને કાર્યકર્તા હંમેશા રહીશ. પાર્ટી જે જવાબદારી આપશે તે સ્વીકારીશ. મહેસાણામાં આપેલા નિવેદન બાબત નીતિન પટેલે કહ્યું કે, જનતાનો અને મતદારોનું ઋણ સ્વીકાર કરવો એ અમારી પરંપરા છે અને મેં જનતાનો ઋણ સ્વીકાર જ કર્યો છે.


નોંધનીય છે કે, નવા મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હોઇ શકે છે તેમજ મંત્રીઓને શપથવિધિ પછી આજે જ ખાતાઓની ફાળવણી થાય તેવી સંભાવનાઓ છે. સૂત્રોના મતે મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એલિમેન્ટ જોવા મળી શકે છે. અનુભવી ધારાસભ્યો અને કેટલાક નવા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે.


જેમના મંત્રી તરીકે નામ પાક્કા માનવામાં આવી રહ્યા છે, તેમની વાત કરીએ તો જીતુ વાઘાણી, ગોવિંદ પટેલ, આત્મારામ પરમાર, ડો.નીમાબેન આચાર્ય, દુષ્યંત પટેલ, કિરીટસિંહ રાણા, મોહનભાઈ ઢોડિયા, કેતન ઇનામદાર, ઋષિકેશ પટેલ, શશિકાંત પંડ્યા અને ગોવિંદભાઈ પરમારના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. જોકે, શપથવિધિમાં જ સાચા નામા જાણવા મળશે.