ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો તેના બે દિવસમાં જ વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવા માંડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ચાર આઈએએસ અધિકારીની બદલી કરી હતી. આ પૈકી સૌથી નોંધપાત્ર બદલી અવંતિકા સિંઘની છે.
અવંતિકા સિંઘને મુખ્યમંત્રી કાર્યાલય (ચીફ મિનિસ્ટર્સ ઓફિસ-CMO)માં મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય (ચીફ મિનિસ્ટર્સ ઓફિસ-CMO)મા નિમણૂક પહેલાં અવંતિકા સિંઘ ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં વાઈસ ચેરમેન અને ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO) તરીકે ફરજ બજાવતાં હતાં. અમદાવાદનાં કલેક્ટર રહી ચૂકેલાં અવંતિકા સિંઘ 2003ની બેચનાં આઈએએસ અધિકારી છે. જાહેર વહીવટમાં લગભગ 17 વર્ષની નોંધપાત્ર સેવા સાથે અવંતિકા સિંહ, IAS, રાજ્ય સરકારના વિવિધ મુખ્ય વિભાગોમાં કામ કર્યું છે.
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અને જાહેર વહીવટમાં મિડ ગકેરિયર માસ્ટર્સ, હાર્વર્ડ કેનેડી સ્કૂલમાંથી અભ્યાસ કરેલ IAS અવંતિકા સિંહે આસામમાં સબ ડિવિઝનલ ઓફિસર (SDO) તરીકે સિવિલ સર્વિસીસમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીએ કમિશનર, ટેકનિકલ શિક્ષણ અને કલેક્ટર - અમદાવાદ તરીકે સેવા આપી છે. તેણીએ આણંદ, ભરૂચ અને વડોદરામાં કલેક્ટર તરીકે, ગાંધીનગર અને આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે અને ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપસચિવ તરીકે પણ કામ કર્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અનુક્રમે વર્ષ 2012 અને 2017 માં ભરૂચ અને અમદાવાદમાં શ્રેષ્ઠ ચૂંટણી પ્રથાઓ અમલમાં મૂકીને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ભુપેન્દ્ર પટેલે સીએમઓમાં 4 મહત્વના અધિકારીઓ બદલ્યા છે. પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે. તો મનોજ કુમાર દાસને આ જગ્યાએથી દૂર કરવામાં આવી છે. જ્યારે અશ્વિની કુમારના સ્થાને અવંતિકાસિંધ આવ્યા છે. અવંતિકાસિંધને CMOના CEO બનાવાયા છે. આ સાથે બે આઇએએસ અધિકારીઓને ભુપેન્દ્ર પટેલે પોતાની ઓફિસમાં સ્પેશિયલ ડ્યુટી પર મુક્યા છે.