નડિયાદ: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે.  પાંચ નગરપાલિકા સહિત બે તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે.  મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ  કરાયા છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં રાજકીય ભૂકંપ આવ્યો છે.  ખેડા શહેર યુવા મોરચા પ્રમુખ ભુપેન્દ્ર ગોહિલ સહિત અન્ય બે કાર્યકરોને  ભાજપ પાર્ટીમાંથી  સસ્પેન્ડ કરાયા છે.  પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  


જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે લાલ આંખ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


પંચમહાલ જિલ્લામાં પણ 8 સભ્યોને કરાયા સસ્પેન્ડ


કાલોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 8 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપના 8 સભ્યોએ અપક્ષ ઉમેદવારી કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  જિલ્લા ભાજપ પ્રમુખે 8 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.  સસ્પેન્ડ થયેલા 8 સભ્યોમાં કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલનો પણ સમાવેશ થાય છે.  


સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો



  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025

  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025

  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025

  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025

  • ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025

  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી

  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025

  • મતગણતરીની તારીખ તા.18/02/2025

  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025


ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬૮ નગરપાલિકામાં કુલ ૧૯૬ નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ૪ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉમાં ૨૮ માંથી ૨૨ બેઠકો, હાલોલમાં ૩૬ માંથી ૧૯ બેઠકો, જાફરાબાદમાં ૨૮ માંથી ૧૬ બેઠકો તેમજ બાંટવામાં ૨૪ માંથી ૧૫ બેઠકો પર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ, જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની ૧૦ બેઠકો એમ કુલ મળીને ૨૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.