સૌરાષ્ટ્રની ગઢડા, ધારી અને મોરબી ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. મોરબી વિધાનસભા બેઠક પર કૉંગ્રેસને જીતનો સંપૂર્ણ વિશ્વાસ હતો. પણ તે હકીકતમાં ન પરિણમ્યો. પરંતું મોરબી બેઠક પર સૌથી ઓછી 4689 મતની સરસાઈથી કમળ ખિલ્યું.


ધારી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢની ધારી બેઠક પણ કૉંગ્રેસ જાળવી ના શકી. પોતાના ગઢમાં પડેલા ગાબડાને પુરવાની ધાનાણી પાસે તક હતી પણ તેમાં તઓ નિષ્ફળ રહ્યા. કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા પર ભાજપના જે.વી. કાકડિયા ભારે પડ્યા. અહીં કાકડિયાની 17 હજાર 209 મતે જીત થઈ છે.

જ્યારે ગઢડા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં વર્ષ 2017માં ગુમાવેલો પોતાના ગઢ પર ફરી કબ્જો મેળવી લીધો છે. ભાજપના ઉમેદવાર અને પૂર્વમંત્રી આત્મારામ પરમાર અહીંથી 22280 મતે વિજયી બન્યા છે.