અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થયું છે. આ સાથે કેમિકલ લઠ્ઠાકાંડમાં  મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. બરવાળાના 45 વર્ષીય ગિરીશ વશરામ ભાઈનું સારવાર બાદ મૃત્યુ થયું છે. બોટાદ કેમિકલ લઠ્ઠાકાંડ બાદ 95 અસરગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 42 પર પહોંચ્યો છે. હજુ પણ કેમિકલ લઠ્ઠાકાંડની અસરથી 60થી વધુ લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરી છે.



આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રોજીદ ગામના સરપંચના પત્ર બાદ છ વખત તે વિસ્તારમાં દરોડા પડાયા છે. 20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ થયાના નાગરિકોના અહેવાલો છે. દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી કેમિકલ લાવી વહેંચવા બુટલેગરો મજબૂર બન્યા છે.


સંઘવીએ કહ્યું કે કોઇ પણ દૂષણને ડામવા માટે સરકાર કટિબદ્ધ છે. દરેક ગામોમાં પોલીસ કડક પગલા ભરવા માંગે છે. આ પ્રકારની કોઇ પણ ઘટના બને તો સ્ટેટ મોનિટરિંગ સેલને જાણકારી આપવા લોકોને અપીલ કરવામાં આવે છે. કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડ અમે હાથ અધ્ધર કરવા માંગતા નથી.


સંઘવીએ કહ્યું કે અમદાવાદની કેમિકલ કંપનીમાંથી કર્મચારીએ કેમિકલની ચોરી કરી હતી. મૃત્યુનો પ્રથમ કેસ નોંધાતા જ ગામોમાં પોલીસની ટીમે સર્વે હાથ ધર્યો હતો. 2500થી વધુ જવાનોની 30થી વધુ ટીમોએ રાતભર કોમ્બિંગ કર્યું હતું. પોલીસે સત્વરે પ્રભાવિત લોકોને શોધી સારવાર માટે ખસેડ્યા હતા.


સંઘવીએ જણાવ્યું હતું કે  રાજ્ય સરકારે ભાવનગર સહિતની હોસ્પિટલોમાં ડાયાલિસીસના મશીનો વધાર્યા છે. ડાયાલિસીસ વધારી સારવાર અપાતા મૃત્યુઆંક વધતો રોકાયો છે. ચોરાયેલુ કેમિકલ વધુ લોકો સુધી ન પહોંચે તે માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. ચોરાયેલા 600 લીટર પૈકી 550 લીટર કેમિકલનો જથ્થો રિકવર કરાયો છે.  કમિટી તપાસ કરી બે દિવસમાં આ મામલે રિપોર્ટ સોંપાશે. બાદમાં સરકાર કડક કાર્યવાહી કરશે. સત્વરે ચાર્જશીટ દાખલ કરી પીડિતોને ન્યાય અપાશે.


હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કેમિકલ લઠ્ઠાકાંડનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. દારૂ પીવાની ટેવ ધરાવતા કોઇ પણ વ્યક્તિનું બોટાદમાં મૃત્યુ થાય તો સરકારનું ધ્યાન દોરવાની પણ તેઓએ અપીલ કરી હતી. ગુજરાત પોલીસે દોઢ મહિનામાં મોસ્ટ વોન્ટેડ બુટલેગરો સામે કાર્યવાહી કરી છે.