Botad : બોટાદમાં બરવાળા દારૂકાંડ બાદ પણ દારૂ મળવાનો સિલસિલો યથાવત છે. બોટાદમાંથી ઈંગ્લીશ દારૂનો મોટો ઝથ્થો  મળી આવ્યો છે. બોટાદ જિલ્લાના રાણપુર પોલીસની હદમાંથી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. રાણપુર પો.સ્ટે.ના ઇન્ચાર્જ PSI નરેશ રબારીએ આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રાણપુર PSI સહિત સ્ટાફ દ્વારા ટ્રક ભરેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.  આ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઇ ગયો છે, જયારે ટ્રકને રાણપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. 


ટ્રકમાં અંદાજીત 500 પેટી જેટલો વિદેશી દારૂ
આ સમગ્ર મામલે માહિતી આપતા બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ જણાવ્યું કે બોટાદ LCB રાણપુર અને પાળીયાદ પોલીસ ગાડીની વોચમાં હતી. આ દરમિયાન રાણપુર શહેરના ગરનાળા પાસે થી GJ-27-V-3347 નંબરનો ટ્રક વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. પોલીસે ટ્રકની તપાસ કરતા અંદાજીત 500 પેટી જેટલો વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે ટ્રક સાથે કુલ મુદ્દામાલ અંદાજીત 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


અમદવાદમાં સેક્રેડ-9 હુક્કાબારમાં રેડ મામલે મોટો ખુલાસો
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં SP રિંગ રોડ પર આવેલા સેક્રેડ-9 હુક્કાબારમાં રેડ મામલે મોટો ખુલાસો થયૉ છે. ડિજી વિજિલન્સની ટીમે સેક્રેડ 9 કાફેમાં રેડ કર્યા બાદ હવે વધુ એક ગુનો નોંધાયો છે.  સેક્રેડ-9 હુક્કાબારમાં હુક્કામાંથી લીધેલા સેમ્પલમાં નિકોટીન મળી આવ્યું છે. SFLની તપાસમાં નિકોટીન મળી આવતા આ મામલે વધુ એક ગુનો નોંધાયો છે.  


હર્બલ હુક્કામાં નિકોટીન નાખી ગ્રાહકોને સેવન કરાવાતું હોવાનું સામે આવ્યું. આ  મામલે ચાર લોકો સામે ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી.પોલીસે SFLના રિપોર્ટના આધારે વધુ એક ગુનો નોંધી કેવલ પટેલ, આશિષ પટેલ, ધ્રુવ ઠાકર અને કરણ પટેલની ધરપકડ કરી છે. આ આરોપીઓ યુવા પેઢીને હુક્કાના રવાડે ચઢાવી રહ્યા હતા.


વિજિલન્સે  રેડ કરી હતી ત્યારે 68 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.. આ કાફેમાંથી જુદા જુદા ફ્લેવરના હુક્કા મળી આવતા પોલીસે 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કાઓ જપ્ત કર્યા હતા.જેમાં નિકોટીન હોવાનું FSL રિપોર્ટમાં સામે આવતા પ્રોહીબિશનના ગુના બાદ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો.