Botad : 44 સભ્યોવળી બોટાદ નગરપાલિકા સુપરસીટ થતા આ તમામ સભ્યો નગરપાલિકાનું સભ્યપદ ગુમાવી ચુક્યા છે. બોટાદ નગરપાલિકાના સભ્યો વચ્ચે ચાલતા આંતરિક વિખવાદ બાદ પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી તમામ 44 સભ્યોને ઘરભેગા કરી દીધા છે અને પોતે નગરપાલિકાનો ચાર્જ સંભાળી લીધો છે.
શા માટે સુપરસીટ થઇ બોટાદ નગરપાલિકા ?
બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા અને 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં પક્ષની સૂચના મુજબ લઈ લેવામાં આવ્યાં હતા અને નવા પ્રમુખ અને નવી બોડી કામ કરશે તેવી ભાજપને આશા હતી. પણ પ્રમુખ પસંદગી સમયે મેન્ડેડ સામે ભાજપના જ સભ્ય અલ્પાબેન સાબવા દ્રારા ઉમેદવારી કરી બહુમતી હાંસલ કરી જીત મેળવી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા.
અલ્પાબેન સાબવાની તરફેણ કરનાર ભાજપના 17 અને પ્રમુખ મળી 18 સભ્યોને ભાજપ દ્વારા બળવાખોર જાહેર કરી ભાજપમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા અને ભાજપની સાખ દાવ પર લાગી હોય તેમ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ કારણોથી વિકાસના કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હોય તેવા કારણો સાથે નવનિયુક્ત પ્રમુખને સુપરસીટ માટે નોટિસ પાઠવવામાં આવી હતી અને તેનો જવાબ રજૂ કરવા જણાવામાં આવ્યું હતું.
સુપરસીટની નોટિસનો કોઈ જવાબ ન અપાયો
ગઈકાલે તારીખ 29 જૂનના રોજ ભાજપ દ્વારા બહુમતી સાથે નગરપાલિકાના ઉપપ્રમુખની બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી. સુપરસીટની નોટિસ બાદ પણ કોઈ જવાબ નહિ મળતા ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દદ્વારા બોટાદ પ્રાંત અધિકારી દિપક સતાણીને બોટાદ નગરપાલિકાનો ચાર્જ સંભાળી વહીવટ કરવા જણાવાયું હતું.
પ્રાંત અધિકારીએ સાંભળ્યો નગરપાલિકાનો ચાર્જ
આજે 30 જૂને બપોર બાદ પ્રાંત અધિકારી દિપક સતાણીએ બોટાદ નગરપાલિકા સુપરસીટ કરી ચાર્જ સંભાળી આગામી દિવસોમાં લોકોના પ્રાણપ્રશ્નો હલ થાય તે મુજબ કામ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી.