Botad Rain News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. હાલમાં મળતી માહિતી પ્રમાણે, બોટાદમાં ગઇકાલે ભારે વરસાદથી જાનહાનિ અને માલહાનિનો કિસ્સા જોવા મળ્યા છે. બોટાદના સાગાવદરમાં વરસાદી પાણીમાં એક કાર તણાયા હાહાકાર મચી ગયો છે, સાગાવદરમાં કારમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકો વરસાદી પાણીમાં કાર સાથે તણાઇ ગયા હતા. જોકે, બે લોકોનો બચાવ થયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં જોરદાર વરસાદ ખાબક્યો છે, સૌથી વધુ વરસાદ બોટાદમાં ખાબક્યો છે, બોટાદના ગઢડામાં 14 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તાજા અપડેટ મુજબ, બોટાદના સાગાવદર ગામે કાર વરસાદીમાં પાણી તણાઈ છે, આ કારમાં સાત લોકો સવાર હતા, જેમાં સાત પૈકી બે લોકો મળ્યા હતા અને પાંચ લોકો લાપતા થયા હતા. ફાયરની ટીમે આખીરાત લાપતા લોકોની શોધખોળ કરી હતી, અને લાઠીદડ-કારીયાણી વચ્ચેથી તણાયેલી કાર મળી આવી હતી. આ લાપતા પાંચ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે, જૂનાગઢથી દર્શન કરવા સાગાવદર ગામે આવ્યા હતા, દર્શન કરી પરત ફરતા સમયે પાણીના પ્રવાહમાં કાર તણાઇ હતી.
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગઇકાલે વરસાદ વરસ્યો,ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો, અહીં ગઇકાલે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી. મહુવા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ આફત રૂપ બન્યો છે. અહીં થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા-પુત્ર તણાયા હતા. જાબાળ ગામ પાસે બળદ ગાડું લઈને આવતા પિતા-પુત્ર તણાયા હતા. જેમાં પિતાનું મોત થયું છે.જ્યારે ફાયરની ટીમે પુત્રને બચાવી લીધા હતા.રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અહીં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.ધારી તાલુકાના સરસીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.