બોટાદઃ રામાયણ કથાકાર મોરારિબાપુ સામે કાર્યવાહી કરવા માટે બોટાદની એક મહિલાએ રાજયના પોલીસ વડાને પત્ર લખ્યો છે. મોરારી બાપુએ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરેલી વાતોની જૂની ક્લિપ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

બોટાદના રાજપૂત ચોરા, જુના સ્વામિનારાયણ મંદિર સામે રહેતા વૈશાલીબેન પાટડીયાએ 8 જૂન, 2020ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સંબોધીને એક અરજી આપી હતી. વૈશાલીબેને કથાકાર મોરારિબાપુએ મીડિયાના માધ્યમથી અરજદારના આરાધ્યદેવ શ્રી કૃષ્ણ અને શ્રી નિલકંઠવર્ણી (શ્રી સ્વામિનારાયણ)નું અપમાન કર્યાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશભરમાં કરોડો લોકો કૃષ્ણભક્તિ અને શ્રધ્ધાથી જીવન ગુજારે છે ત્યારે આ નિવેદન દ્વારા મોરારી બાપુએ બહુ મોટા વર્ગને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મોરારિબાપુ વારંવાર આવાં કૃત્ય જાહેરમાં કરી પછી માફી માંગે છે અને તેમને આ દેશના કાયદાનું જ્ઞાન નથી એ જોતાં તેમની સામે સામે આઇપીસી કલમ અન્વયે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે અરજી સાથે મોરારીબાપુની વીડિયો કલીપની લિંક પણ સાથે જોડી હોવાનો દાવો કર્યો હતો.

આ અરજીના એક મહિના પછી પણ બોટાદ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં અરજદારે રાજ્યના પોલીસ વડાને 22 જુલાઇ, 2002ના રોજ પત્ર પાઠવી મોરારી બાપુ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.