ગુજરાત વિધાનસભાના સ્પીકરને મળીને કોંગ્રેસનાં પાંચેય ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. જેની જાણકારી વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે આપી હતી. ત્યારે વિધાનસભા સચિવાલય દ્વારા સત્તાવાર ગેઝેટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં અબડાસા, ગઢડા, ધારી, લીંબડી અને ડાંગ બેઠક ખાલી હોવાનું જણાવવામાં આવ્યું છે. આગામી 6 મહિનામાં આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
બીજી તરફ આ પાંચેય ધારાસભ્યોએ ચૂંટણી ટાણે જ પક્ષ સાથે વિશ્વાસઘાત કરતાં ગુજરાત કોંગ્રેસ આ પાંચેય ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોમાભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી.કાકડિયા, પ્રવિણભાઈ મારૂ, મંગળભાઈ ગાવિતને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
કોંગ્રેસે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, તમે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા સભ્ય છો. હાલમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમે રાજીનામાં આપીને પક્ષની અવહેલના કરી છે. જેથી તાત્કાલિક અસરથી આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.