Visavadar By Election 2025: ગુજરાતમાં આજે બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી યોજાઇ હતી, જેમાં વિસાવદર બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી કારણ કે અહીં આપે પોતાના સીનિયર નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. આજે આવેલા પરિણામમાં આપના ગોપાલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચટાડી દીધી છે. એકલા હાથે વિસાવદર બેઠક કબજે કરી લીધી છે. તાજા આંકડા પ્રમાણે, ગોપાલેને વિધાનસભા વિસ્તારમાંથી 51 ટકાથી વધુ મત મળ્યા છે, જે 75 હજારથી પણ વધુ મતો છે. અહીં અમે તમને ગોપાલ ઇટાલિયાના જીવન સફરની કહાણી બતાવી રહ્યાં છીએ. જાણો એક સરકારી કર્મચારીમાંથી ગોપાલ ઇટાલિયા કઇ રીતે પહોંચ્યો વિધાનસભામાં ધારાસભ્ય બનીને....
વિસાવદરમાં આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટાચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પેટાચૂંટણીમાં પરાજય આપ્યો છે. ગોપાલ પટેલ આ સાથે પ્રથમવાર વિધાનસભા પહોંચશે.
ગોપાલ ઇટાલિયાઃ સરકારી નોકરી છોડી આવ્યા રાજકારણમાં આપના યુવા નેતા ગોપાલ ઈટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના ગુજરાતના બોટાદમાં થયો હતો. ગોપાલ ઈટાલિયાએ પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઈટાલિયાએ ગુજરાત યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું. ગોપાલ ઈટાલિયાએ પોલીસની પરીક્ષા પાસ કરી અને વર્ષ 2013મા અમદાવાદના મધુપુરા પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ 2014મા અમદાવાદ કલેક્ટરેટમાં મહેસુલી ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. સરકારી નોકરી કરવા સમયે પણ ગોપાલ ઈટાલિયા સામાજિક અને રાજકીય કાર્યોમાં રસ લેતા હતા. સરકારી નોકરી છોડ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગોપાલ ઈટાલિયા સક્રિય રૂપમાં જોવા મળ્યો હતો.
પાટીદાર અનામત આંદોલનમાં જોડાયા ગોપાલ ઇટાલિયા વર્ષ 2015મા થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ઈટાલિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી. વર્ષ 2017મા ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી ગોપાલ ઈટાલિયાએ જૂતુ ફેંક્યું હતું. જેના કારણે ગોપાલ ઈટાલિયા સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવી ગયો હતો. જેના કારણે ઇટાલિયાને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. ઇટાલિયા તે સમય સુધી પાટીદાર સમુદાયના નેતા બની ચુક્યા હતા. ત્યાર બાદ 2018 માં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા તરીકે ગુજરાતમાં નામના મેળવી અને ત્યાર બાદ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને 2020 માં આમ આદમી પાર્ટીમાં પગ મુક્યો અને પાટીદાર સમુદાયના યુવાનોને જોડ્યા હતા. ગોપાલ ઈટાલિયા પોતાના ભાષણ માટે પણ જાણીતા રહે છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કમાન સંભાળ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું હતું. વર્ષ 2021મા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવી મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીને 13.28 ટકા જેટલા મત મળ્યા હતા. જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર ગુજરાતમાં પાંચ સીટો જીતી હતી.