BZ Financial Ponzi scheme: રાજ્યમાં ચર્ચા જગાવનાર BZ ફાયનાન્સિયલ સર્વિસના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયા બાદ આ કેસમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નામ પણ સામે આવ્યું છે. મંત્રી ભીખુસિંહ પરમાર અને તેમના પુત્ર પર ભૂપેન્દ્રસિંહ ઝાલાના મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી હોવાનો આરોપ છે. આ વિવાદમાં પહેલીવાર મંત્રી ભીખુસિંહ પરમારે abp અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં પોતાનું મૌન તોડ્યું છે.
મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને માત્ર ભારતીય જનતા પાર્ટીના કારણે ઓળખતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમના પુત્રએ BZના એજન્ટ તરીકે કોઈ કામ કર્યું નથી અને તેમણે કે તેમના પુત્રએ BZમાં કોઈ રોકાણ પણ કર્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, તેમના વિસ્તારના કોઈ લોકોએ મને BZની ફરિયાદ મને કરી નથી.
મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે, તેમનો પુત્ર અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એક ટ્રસ્ટમાં સાથે છે એનો અર્થ એ નથી કે તેઓ ગુનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ 2022થી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઓળખે છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 2022માં હિંમતનગર અને મોડાસા બે બેઠક પરથી ટિકિટ માગી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના શૈક્ષણિક સંકુલના એકમાત્ર કાર્યક્રમમાં ગયા હતા. મંત્રીએ આગળ જણાવ્યું કે, હવેથી કોઈપણ કાર્યક્રમમાં જતા પહેલા જે તે વ્યક્તિની વધુ ચકાસણી કરશે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ માયાઝાળમાં ઘણા નામી ક્રિકેટરોના નાણા પણ ફસાયા હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને હવે કોંગ્રેસે બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ દાવો કર્યો છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિવિધ બેંકના ચેક મારફતે ફંડ આપ્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને રૂ. 2.50 લાખ જેટલું ફંડ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કરેલો દાવો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે કરોડો રૂપિયાની લુંટ ચાલી રહી છે. રાજ્યમાં ભાજપનો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનું લાયસન્સ મળી જાય એમ નાના પરિવારોને થોડી લાલચમાં પૈસાનું રોકાણ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ભુપેન્દ્રસિંહ ફરાર થઇ ગયો છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યું. ભાજપના નેતાઓ સાથે પણ ભુપેન્દ્રસિંહ ઝાલાના ફોટાઓ છે.
ભારતીય જનતા પાર્ટી સાથે જાલાએ આર્થિક વ્યવહારો કર્યા હોવાનો દાવો કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૨-૨૦૨૩માં તારીખ ૨૧.૦૩.૨૦૨૩ના રોજ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા હિંમતનગરની એસબીઆઈની બેંક દ્વારા ૧) રૂ. ૯૯,૯૯૯ ૨) રૂ. ૯૯,૯૯૯ ૩) રૂ. ૫૧,૦૦૧ ૪) રૂ. ૧.૦૦ રૂપિયા ભાજપને ફંડ તરીકે આપ્યા હતાં.
આ પણ વાંચો....
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ