વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેનો વિવાદ ચાલે છે. મધુ શ્રીવાસ્તવે ભાજપના નેતાગીરીને ખુલ્લી ચેલેન્જ પણ આપી છે કે, મારો દીકરો અપક્ષ તરીકે લડશે તો હું તેનો પ્રચાર કરીશ જ.


શ્રીવાસ્તવની આ ધમકી સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ હુંકાર કર્યો છે કે, મધુ શ્રીવાસ્તવ તેમના દીકરાના પ્રચાર માટે જશે તો તેમની સામે પગલાં ભરાશે. મધુ શ્રીવાસ્તવ પોતાના દીકરાને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે એ મુદ્દે સવાલ પૂછાતાં પાટીલે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો હતો.

મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને કેમેરા સામે ઠોકાવી દેવાની ખુલ્લી ધમકી આપીને નવો વિવાદ પેદા કર્યો છે. આ મુદ્દે પાટીલે કહ્યું કે, આ બાબતની કોઈ ફરિયાદ આવશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે.