Narendra Modi 23 years as CM celebration: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને સોમવાર તા. ૭ ઓક્ટોબર ૨૦૨૪ના ૨૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.


નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીની ગ્લોબલ ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા દર વર્ષે તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે.


આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ સાથે યોજાનારા કાર્યક્રમોની વિસ્તૃત ભૂમિકા રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ વિકાસ સપ્તાહની ઉજવણીમાં સૌ ગુજરાતીઓને જોડીને રાજ્યના લાંબાગાળાના અને સસ્ટેનેબલ ડેવલ્પમેન્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.


પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે તેમાં જે તે સ્થળના સ્થાનિક કલાકારોની પ્રસ્તુતિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે.


આરોગ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, સુરત ડાયમન્ડ બુર્સ, નડાબેટ, પાવાગઢ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, સ્મૃતિવન, અંબાજી, દ્વારકા સુદર્શન બ્રિજ અને પાલ દઢવાવના આદિવાસી શહીદ સ્મારક સહિતના સ્થળોઓએ આવી વિકાસ પદયાત્રા યોજાશે.


તેમણે વધુમાં કહ્યું કે, આ વિકાસ સપ્તાહમાં વિદ્યાર્થીઓ અને યુવા શક્તિને પણ જોડવાના બહુઆયામી આયોજનો અંતર્ગત શાળા કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ પણ યોજાશે. એટલું જ નહિ, વિકાસમાં લોકોની સહભાગિતા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.


રાજ્યના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવલો પર વૉલ પેઈન્ટિંગથી ૨૩ વર્ષની વિવિધ ક્ષેત્રોની વિકાસયાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાશે. આ ઉપરાંત રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ પણ કરવામાં આવશે.


આ ઉપરાંત સમગ્ર રાજયમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે.


તેમણે વિકાસ સપ્તાહ વિશે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત દિવસોની ઉજવણી સહિતના આયોજનો પણ કરવામાં આવશે. તેમાં યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ તથા પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે.


આ લક્ષ્યાંક સિદ્ધિથી રાજ્યની વિકાસગાથાને વધુ ઉન્નત બનાવવા આગામી સમયમાં દર વર્ષે સુનિયોજિત રીતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.