વડોદરા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે. તેમને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે. ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે..ભાજપ વિપક્ષને હેરાન કરે છે. વસાવાને પોતાના મત વિસ્તારમાં નહીં જવાની શરતે જામીન મળ્યા છે. 80 દિવસ જેલવાસ ભોગવ્યો હતો.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમુક્ત થયા ત્યારે વડોદરા જેલમાંથી બહાર આવતા તેમના પરિવાર સહિત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે રાહત આપતા ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપી દીધા છે. જામીનના મળ્યા બાદ બુધવારે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે. જેલમાંથી મુક્તિ સમયે ચૈતર વસાવાના સમર્થકો અને આપ નેતાઓ તેનું સ્વાગત કરવા જેલની બહાર પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું મોટું નિવેદન
ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે, મારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, મેં 80 દિવસ જેલવાસ ભોગવ્યો. મને જામીન મળશે એવો સંવિધાન પર વિશ્વાસ હતો. હાઇકોર્ટનો હું આભાર વ્યક્ત કરું છું, મને મારા મત વિસ્તારમાં નહીં જવાની શરતે જામીન મળ્યા છે. મારા લોકોને નહિ મળી શક્યો એનું દુઃખ છે. વિપક્ષને ભાજપ યેનકેન પ્રકારે પરેશાન કરે છે. પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
દેડિયાપાડાનાં તાલુકા પંચાયતનાં પ્રમુખને ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હોવાનાં આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. 5 જુલાઈ, 2025 થી ચૈતર વસાવા જેલમાં હતા. અગાઉ પણ ચૈતર વસાવા દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા તેને નામંજૂર કરવામાં આવી હતી.વિધાનસભા સત્ર દરમિયાન હંગામી જામીન મળ્યા હતા.