નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે ચૈતર વસાવાની પત્નીની જામીન અરજી નર્મદા કોર્ટે ફગાવી દીધી છે. ખેડૂત રમેશ ગિમ્બા, ચૈતર વસાવાના પીએ જીતેંદ્રની જામીન અરજી રદ્દ કરવામાં આવી છે. તો બીજી તરફ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી પર 20 નવેમ્બરે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે, ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીને ધમકાવવાનો આરોપ છે.


શું હતો મામલો ?


ડેડીયાપાડાનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધપવામાં આવી છે.


આ પહેલા આપ નેતા ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેતા શકુંતલા વસાવાની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મળવા માટે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં તેમને મળવા જતા અટકાવાયા હતા.  


શું કહ્યું ઈસુદાન ગઢવીએ


ઈસુદાન ગઢવીએ કહ્યું, હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું. ટાઇગર અભી ડરા નહીં. ભાજપે ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે. ચૈતર વસાવા નિર્દોષ છે અને ટુંક સમયમાં હાજર પણ થશે. આદિવાસી સમાજ પર હુમલો છે.


 






આ મામલે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખોટી રીતે હેરાન કરવાનું કાવત્રુ ભાજપે કર્યું છે ! જેની સામે મજબૂતાઈથી લડવામાં આવશે ! ચૈતર ભાઈને ખોટી રીતે હેરાન કરવા અને એમના પરિવારને પણ પરેશાન કરવાનું ભાજપને ભારે પડશે !’


ગોપાલ ઇટાલીયાએ પણ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો હતો, તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘આમ આદમી પાર્ટીના દમદાર લડાયક ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત આગેવાન ભાઈ શ્રી ચૈતર વસાવા ઉપર ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી. ચૈતર વસાવાના ધર્મપત્નીને પણ પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળ્યા છે.’