કોરોનાના કપરાકાળ બાદ હવે ગુજરાત પર આવી પડી છે જળસંકટની આફત. ઓગષ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો રાજ્યમાં 65 ટકા ઓછા વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. અત્યાર સુધી 41.75% વરસાદ થયો છે. રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે.


22 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે તો સરેરાશથી 20 ઇંચ વધુ વરસાદ હોય એવા માત્ર 36 તાલુકા છે. કુલ 19 જિલ્લામાં વરસાદની ઘટ 50 ટકાથી વધુ છે.નર્મદા યોજનામાં વર્ષે રૂ. 7 હજાર કરોડનો ખર્ચ થાય છે છતાં લોકોને પાણીની સમસ્યાઓ સામે લડવું પડે એવી સ્થિતિ છે. બનાસકાંઠા જિલ્લાના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે.


રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 19 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. ગાંધીનગરમાં 67%, અરવલ્લીમાં 67%, સુરેન્દ્રનગરમાં 64%, વડોદરામાં-મહિસાગરમાં સરેરાશથી 57% વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 48.89% છે.


સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 23.86%, મધ્યમાં 42.40%, દક્ષિણમાં 63.48%, કચ્છમાં 21.09%, સૌરાષ્ટ્રમાં 40.30% પાણીનો સંગ્રહ છે. માત્ર 20 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 98 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે.


બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં 6.51%, ખેડા જિલ્લામાં 9.12%, દેવભૂમિ દ્વારકામાં 12%, સાબરકાંઠામાં 15% જ જળસંગ્રહ છે.કોરોનાની અસરો હજૂપણ સરકારને ધ્રુજાવી રહી છે. વિવિધ જાહેરાતો થકી સરકાર કોરોનાની નકારાત્મક બાબતોને લોકોના મનમાંથી ભૂંસવા માંગે છે. આ પરિસ્થિતિમાં દુષ્કાળની સ્થિતિએ સરકારની ચિંતા વધારી દીધી છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે પાણી ચૂંટણીનો મુદ્દો બની શકે છે.


ખેડૂતને સહાયની માગ


ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યમાં દુષ્કાળનો ભય પણ સેવાઇ રહ્યો છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર તાત્કાલિક યોગ્ય જાહેરાત કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ધાનાણીએ કહ્યું કે, સરકાર મુખ્યમંત્રી સહાય હેઠળ અને અછત મેન્યૂઅલ મુજબ નિર્ણય કરે. અગાઉ તાઉતે વાવાઝોડા અને હવે ઓછા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.જેથી જે વિસ્તારમાં જમીનતળમાં પાણી ઉંડા હોય ત્યાં 14 કલાક વીજળી આપવામાં આવે અને તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને 100 ટકા વળતર આપવામાં આવે તેવી ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ પણ કરવામાં આવી છે.