રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર ગંભીર બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીવાના પાણીની અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે. કૃષિમંત્રી આરસી ફળદુ, શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચૂડાસમા અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા આ જવાબદારી ઉઠાવશે.


ભૂપેંદ્રસિંહ ચૂડાસમાએ રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેવો જનતાને ભરોસો આપ્યો છે. તેમણે કહ્યું કે સરકારે પીવાના પાણીને લઈને તમામ વ્યવસ્થાઓ કરી લીધી છે. સાથે તેઓએ આગામી દિવસમાં સારો વરસાદ વરસશે તેવી પણ આશા વ્યક્ત કરી છે.


પરેશ ધાનાણાની ખેડૂતને સહાયની માગ


સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય કરે. આ માગ કરી છે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ. વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે સરકાર ખેડૂતોને દિવસે 14 કલાક વિજળી આપે ઉપરાંત જે વિસ્તારમાં જળાશયોમાં પાણી છે ત્યા સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવા માગ કરી છે. સરકાર તાત્કાલિક સર્વે કરવી અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરે અને નિયમ મુજબ ખેડીતોને અને પશુપાલકોને સહાય ચૂકવે.


રાજ્યમાં કૃત્રિમ વરસાદની માગ


દુષ્કાળના સંકટ વચ્ચે રાજ્યમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માગ કરી છે. જે વિસ્તારમાં વાદળો બંધાય છે તેવા વિસ્તારમાં સરકાર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માગ કરી છે. અપૂરતા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. ત્યારે સરકારે ખેડૂતોની મદદ કરવી જોઈએ.


બીજી તરફ રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ડુંગળીમાં આવેલા વાયરસે ખેડૂતોની ઉંઘ ઉડાડી દીધી છે. વડિયા ગામમાં લાલ ડ઼ુંગળી પર વાયરસ ત્રાટકતા ડુંગળીનો પાક સુકાઈ ગયો છે.વડીયા ગામના વતની વિજયભાઈ વસાણીના વસાણીએ પોતાના ચાર વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. બિયારણ જંતુનાશક દવા ખાતર સહિત કુલ ૨૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદના અભાવે અને વાયરસના કારણે તેમની ચાર વીઘાની ડુંગળી સદંતર નિષ્ફળ ગઈ છે.