Palanpur: શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરાશે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આગામી તારીખ ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન આરતી સવારે ૬ થી ૬.૩૦ કલાકે, દર્શન સવારે ૬ થી ૧૧.૩૦ કલાક સુધી, દર્શન બંધ ૧૧.૩૦ થી ૧૨.૩૦, દર્શન બપોરે ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાક સુધી, દર્શન બંધ ૧૭ થી ૧૯ કલાક સુધી, દર્શન સાંજે ૧૯ થી ૨૪ કલાક સુધી તથા દર્શન બંધ ૨૪ થી સવારે ૬ સુધી રહેશે.

આગામી તારીખ ૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે ૬ વાગ્યાથી ૬.૩૦ સુધી, દર્શન સવારે ૬ થી ૧૦ કલાક સુધી, શયન કાળ આરતી ૧૨ થી ૧૨.૩૦ કલાકે, બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય ૧૨.૩૦ થી ૧૭ સાંજે ૧૭ કલાકથી દર્શન બંધ રહેશે.

૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના શિખર પર બપોરે ૧૨.૩૦ કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. આ સાથે ૮ સપ્ટેમ્બરથી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓને નોંધ લેવા વિનંતી છે.

ઇતિહાસમાં પહેલીવાર મા અંબાના પદયાત્રીઓનો ₹10 કરોડનો વીમો ઉતારાયો

ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા આવે છે. આ વર્ષે, ઇતિહાસમાં પહેલીવાર, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે ₹10 કરોડનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત અને રાજસ્થાનના 50 કિલોમીટર સુધીના 7 જિલ્લાઓને આવરી લે છે. આ વીમા કવચ હેઠળ, જો કોઈ પદયાત્રીને માર્ગ અકસ્માત થાય તો તેમને કોર્ટ દ્વારા નક્કી કરાયેલું વળતર મળશે, જે શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રત્યે મંદિર ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા માટે, અંબાજી મંદિર ટ્રસ્ટે પદયાત્રીઓ માટે ₹10 કરોડનો અકસ્માત વીમો લીધો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ આ માહિતી આપી હતી. આ વીમા કવચ ગુજરાત ઉપરાંત રાજસ્થાનની 50 કિલોમીટર સુધીની સરહદને પણ આવરી લે છે, જેથી તમામ પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ગયા વર્ષે ₹3 કરોડનું વીમા કવરેજ હતું, જેને આ વર્ષે ₹10 કરોડ સુધી વધારવામાં આવ્યું છે.