ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક માટે ગુરુવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે જઈ રહ્યાં છે. ત્યારે આજે ટંકારા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તથા ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરીયાના સમર્થનમાં મધ્યસ્થ કાર્યાલય, રવાપર ચોકડી મોરબી ખાતે સભાને સંબોધીત કરી હતી. ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ખેસ પહેરાવી સાદાઈથી સ્વાગત કરવામાં આવ્યું હતું.


 મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ કહીને સંબોધન શરુ કરતા કહ્યું હતું કે, ચુંટણીમાં જાત જાતની વાતો સાંભળવા મળે તેના પરથી આપણે મતદાન કરતા હોઈએ કોઈનો વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવ્યા પછી ટકાવી રાખવો એ અગત્યની વાત છે. આ સાથે નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ગુજરાતની તકલીફોને લાંબા સમય સુધી જેણે શાસન કર્યું એ દૂર ન કરી શક્યા એટલે ગુજરાતે ભાજપને શાસન પર બેસાડ્યા. 


જે દિવસે PM મોદીએ શાસનનું ધુરા સાંભળી. ગુજરાતમાં છેવાડાના માનવી સુધી પાયાની સવલત મળે એ માટે PM મોદીએ કવાયત શરુ કરી હતી અને આજે ઘરે ઘરે પાણી અને વિજળીની સવલતો મળે છે તેવું તેમણે જણાવ્યું હતું. આ વિકાસની રાજનીતિ છે અગાઉ કેવી રીતે ચુંટણી લડવામાં આવતી હતી એ સૌને ખબર છે.  કેટલી ચિંતા હોય આજે એમાંથી કશું જોવા ના મળે, સુરક્ષા એટલી જ સારી થઇ ગઈ છે ૨૫ વર્ષના યુવાનને કર્ફ્યું શું છે એ ખબર નથી તેમ કહ્યું હતું.


વાંકાનેરમાં સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર સાધ્યું નિશાન


ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે હવે ભાજપ એક્શન મોડમાં જોવા મળે છે અને સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કિરણ સિરામિક રાતીદેવડી રોડ વાંકાનેર ખાતે વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીના સમર્થનમાં પધાર્યા હતા. આ તકે સીએમ યોગી આદિત્યનાથે બુલડોઝર શણગાર કર્યો હતો અને સભા સંબોધતા કહ્યું હતું કે, આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની છે. 


વાંકાનેર ખાતે યોગી આદિત્યનાથ સભા સંબોધતા પ્રથમ તો ગુજરાતીમાં કહ્યું હતું કે, હું મોરબી અને વાંકાનેરની જનતાનું સ્વાગત અને અભિવાદન કરવું છે. જે સાંભળીને સભા સ્થળે ઉપસ્થિત સર્વેએ હર્ષનાદ કર્યો હતો. જે બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હું એ પ્રદેશમાંથી આવું છું જ્યાં મહાદેવ, શ્રીકૃષ્ણ અને શ્રીરામ ત્રણેયની ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. આ પાવનભૂમિ એટલે ઉત્તર પ્રદેશની ધર્મભૂમિ અને આજે હું એ પવિત્ર ભૂમિ પર આવ્યો છું જેણે હંમેશા પડકારોનો સામનો કર્યો છે.