Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે હવે ભાજપ એક્શન મોડમાં જોવા મળે છે અને સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કિરણ સિરામિક રાતીદેવડી રોડ વાંકાનેર ખાતે વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીના સમર્થનમાં પધાર્યા હતા. આ તકે સીએમ યોગી આદિત્યનાથે બુલડોઝર શણગાર કર્યો હતો અને સભા સંબોધતા કહ્યું હતું કે, આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની છે. 


વાંકાનેર ખાતે યોગી આદિત્યનાથ સભા સંબોધતા પ્રથમ તો ગુજરાતીમાં કહ્યું હતું કે, હું મોરબી અને વાંકાનેરની જનતાનું સ્વાગત અને અભિવાદન કરવું છે. જે સાંભળીને સભા સ્થળે ઉપસ્થિત સર્વેએ હર્ષનાદ કર્યો હતો. જે બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હું એ પ્રદેશમાંથી આવું છું જ્યાં મહાદેવ, શ્રીકૃષ્ણ અને શ્રીરામ ત્રણેયની ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. આ પાવનભૂમિ એટલે ઉત્તર પ્રદેશની ધર્મભૂમિ અને આજે હું એ પવિત્ર ભૂમિ પર આવ્યો છું જેણે હંમેશા પડકારોનો સામનો કર્યો છે. 


 



જ્યારે ગુજરાતના ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાત અને મોરબીનું શું થશે એવું લોકો વિચારતા હતા પરંતુ પોતાના મજબૂત મનોબળથી આજે મોરબી અને ગુજરાત અડીખમ છે. અને સમગ્ર દેશ માટે ઉદાહરણ બન્યા છે. આ ઉપરાંત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને CM યોગી આદિત્યનાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આ ઘટનામાં મોરબી સાથે ઊભો રહ્યો છે. આ સાથે તેમણે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને હાલ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના પણ વખાણ કર્યા હતા. અને એમની સાથે બચાવ કાર્યમાં જોડાયેલા પ્રત્યેક કાર્યકરોને બિરદાવ્યા હતા.  


વધુમાં તેમણે ગુજરાત મોડલના વખાણ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ અને નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને એ વિકાસનું મોડલ આજે સમગ્ર ભારત માટે ઉદાહરણ બન્યું છે. આ ઉપરાંત ગુજરાતે કોરોના જેવી મહામારીની સામે પણ લડત આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે. ભારત આજે સમગ્ર વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્ટ્ર બન્યું છે. જે સૌ માટે ગર્વની વાત છે. ભારતની આઝાદી માટે ગાંધીજીએ અનેક વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો. સરદાર પટેલે ભારતના વિકાસ માટે દેશી રાજ્યોને વિલીનીકરણ કર્યું ત્યારે આજે આ ભારતભૂમિ બની છે અને અમને ગર્વ છે કે આ દેશની સેવા કરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું 


આ ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે શું તમને એવું લાગે છે કે આજે કોંગ્રેસનું શાસન હોવું જોઈએ! આ ઉપરાંત તેમણે ભૂતકાળમાં ડોકિયું કરતા એવું જણાવ્યું હતું કે, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ એવી હિમાયત કરી હતી કે કોંગ્રેસનું વિસર્જન થઈ જવું જોઈએ પરંતુ હજી સુધી થયું નહીં. આ માત્ર ચૂંટણી નથી સત્ય અને અસત્યની લડાઈ છે આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેની છે. જો કોંગ્રેસનું શાસન હજુ સુધી યથાવત હોત તો શું કાશી વિશ્વનાથ મંદિર બની શક્યું હોત? શું કાશ્મીરમાં 370 ની કલમ નાબૂદ થઈ હોત? કોંગ્રેસના શાસનમાં આવું કંઈ પણ શક્ય બન્યું હોત તેવું સીએમ યોગી એ સભામાં ઉપસ્થિત સર્વેને પૂછ્યું હતું અને અંતમાં દરેક નાગરિકોને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ માત્રામાં મત આપીને વિજય બનાવવાની અપીલ કરી હતી


નોંધનીય છે કે CM યોગી ગુજરાતમાં ગત ચૂંટણી સમયે પણ અનેક સભા સંબોધી હતી, ત્યારે તેઓ ઘણાં જ લોકપ્રિય રહ્યાં હતા. તેમણે જે 29 જિલ્લાની 35 સીટ પર પ્રચાર કર્યો હતો તેમાંથી 20 બેઠક ભાજપે કબજે કરી હતી. ગુજરાત ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી ભાજપે યોગીની સભાનું આયોજન કર્યું હતું. યોગીના આગમન પૂર્વે આજે સાંસદ મોહન કુંડારીયા અન્ય કાર્યકરો સાથે JCBની આગળ પાવડામાં ચડીને ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા હતા.ચૂંટણી પ્રચારની સાથે જાણે કોઈ સ્ટંટબાજી કરવામાં આવતી હોય તે રીતે આ કાર્યકરો ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા.