• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની જાત માહિતી મેળવીને સ્થળ પર જ સમીક્ષા માટે ગોરજ નજીક નર્મદા કેનાલની નિરીક્ષણ મુલાકાતે

  • નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું

  • સોર્સ-૧ અને સોર્સ-૩ના પ્રગતિ હેઠળના કામોની સાઈટ વિઝિટ કરતાં મુખ્યમંત્રી


Bhupendra Patel irrigation scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ ૧૪૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹ ૩૭૭.૬૫ કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-૧ કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-૩ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી.


મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.


નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના ૧૧,૦૦૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.


આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં ૧૪ ગામ, વિરમગામ તાલુકાનાં ૧૩ ગામ તથા બાવળા તાલુકાનાં ૧૨ ગામ મળી નળકાંઠાના કુલ-૩૯ ગામોની આશરે ૩૫,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.


હાલમાં ચાલી રહેલી ફેઇઝ-૧ની કામગીરી પૂર્ણ થતાં આશરે ૧૨,૦૦૦ હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઇઝ-૧ ની કામગીરી માટે ₹ ૩૭૭.૬૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.


એટલું જ નહિં, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની ૬૫ ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ-૨૦૨૫ માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. ₹ ૧૦૨૭ કરોડના બીજા તબક્કાનું કામ ચાલું વર્ષના અંતમાં શરૂ થશે.


મુખ્યમંત્રીની આ મુલાકાત વખતે અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મતી કંચનબા વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.